ભુજ, તા. 17 : ગેરકાનૂની કામના કારણે પોલીસ
પ્રશાસન જપ્ત કરેલાં વાહનો પોલીસ મથકે લઈ આવે છે,
પરંતુ એ જપ્ત થયેલાં વાહનોને છોડાવવામાં વાહનમાલિકોને લાંબી આરટીઓ અને
કોર્ટની પ્રક્રિયામાંથી પસાર થવાનું હોવાથી તેમાં લાંબો સમય નીકળી જાય છે. ભુજ એ-ડિવિઝન
પોલીસ સ્ટેશન હોય કે બી-ડિવિઝન પોલીસ મથક ત્યાં ઝડપાયેલાં વાહનોની લાઈન લાગેલી પડી
છે, એમાંય બી-ડિવિઝન પોલીસ પ્રશાસનને મજબૂરન આવાં વાહનોને રોડ
પર પાર્ક કરવાં પડે છે. પોલીસ સ્ટેશન પાછળ જર્જરિત ક્વાર્ટર અને જેલનો વિશાળ વિસ્તાર
હોવા છતાં એ વિસ્તારને સાફ કરવા કોઈ પણ સરકારી તંત્ર આગળ આવતું નથી. બી-ડિવિઝન પોલીસ
અવાર-નવાર ટ્રેઈલર-ડમ્પર જેવાં ભારે વાહનો પકડીને મથકે લઈ આવે છે ત્યાં પાર્કિંગ માટે
કોઈ જગ્યા ન હોવાથી નાછૂટકે તેમને રોડ પર પાર્ક કરવાં પડે છે. પોલીસ પ્રશાસન અને પી.ડબલ્યુ.ડી.
તંત્ર સાથે મળીને ધરતીકંપમાં જર્જરિત થયેલી જેલ અને રહેણાકના તૂટેલાં મકાનોને છૂ કરીને
પકડાયેલાં વાહનોનાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરી શકે તેમ છે. રસ્તામાં મોટાં ખડાં
કરાયેલાં વાહનોથી પસાર થતાં વાટાળુઓ અને અન્ય વાહનચાલકોને પરેશાની ભોગવવી પડતી હોવાનું
લોકોનું કહેવું છે.