રતનાલ (તા. અંજાર), તા. 17 : ભુજ તાલુકાનાં
હબાયમાં વાઘેશ્વરી માતાજીનાં મંદિરે સોમ અને મંગળવારે બે દિવસીય લોકમેળો યોજાશે. અહીં
પરંપરાગત રીતે નવરાત્રિની ઉજવણી કરાય છે. માતાજીનાં સ્થાનકે અમાસના ઘટસ્થાપના થાય છે.
સાતમા નોરતે માતાજીનું ગુપ્ત પાટ પૂજન કરાય છે. અષ્ટમી તા.19-10 અને નોમ, તા.20-10 એમ બે દિવસીય પરંપરાગત લોકમેળો યોજાય છે. મેળા દરમિયાન સોમવારે
સવારે કચ્છ કાઠિયાવાડના નામી-અનામી કલાકારો દ્વારા દાંડિયારાસ યોજાશે, જેમાં ભાતીગળ પહેરવેશમાં સજ્જ વિવિધ ગામોના લોકો રાસ રમશે. અહીં રાધેશ્યામ ગ્રુપ
ધાણેટીના આલાભાઈ ભચુભાઈ છાંગા, વાઘજીભાઈ છાંગા, દેવજીભાઈ છાંગા પરિવારના સહયોગથી નિર્મિત પ્રવેશદ્વાર, પવિત્ર કુંડ પરિસરના પરિક્રમા પંથ અને મહેશભાઈ બાબુભાઈ માતા, અરવિંદભાઈ માતા, હિતેષભાઈ માતા, સમસ્ત ત્રિકમભાઈ કારાભાઈ પરિવાર દ્વારા નિર્મિત નૂતન બેઠકખંડનું લોકાર્પણ કરાશે.
સોમવારે સાંજે સામૈયુ, રાત્રે હોમહવન તેમજ સંતવાણી કલાકારો જયદીપભાઈ
સોની, મનહરદાન ગઢવી, પ્રભુભાઈ આહીર દ્વારા
રજૂ કરાશે. મંગળવારે સવારે દાંડિયારાસનું આયોજન કરાયું છે. આ તકે લક્ષ્મણગિરિ બાપુ,
ગોમતી મા, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા સહિત રાજકીય,
સામાજિક અગ્રણીઓ હાજર રહેશે. બે દિવસીય મેળામાં આસપાસનાં ગામોમાંથી લોકો ઊમટી પડશે.