ગાંધીધામ, તા. 30 : વર્ષ 2004માં માળિયાથી કચ્છ સુધી નર્મદાની
પીવાનાં પાણીની લાઈનમાં વધુ એક વખત લીકેજ થતાં વ્યાપક પાણીનો બગાડ થયો હતો. તંત્ર દ્વારા
સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સ્થિતિનાં કારણે નર્મદા આધારિત શહેરોમાં પાણી
વિતરણને આંશિક અસર થશે. આ અંગે મળતી વિગતો મુજબ આજે બપોરના અરસામાં લાઈનમાં લીકેજની
સમસ્યા સર્જાઈ હતી. લાઈન લીકેજ થતાં લાંબો સમય સુધી મહામૂલું પાણી વેડફાયું હતું. હજારો
લિટર પાણીનો બગાડ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન જીડબલ્યુઆઈએલને જાણ થતાં
લાઈનમાં પાણીનો સપ્લાય ઓછો કરી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. સંભવત: આવતીકાલે
સાંજ સુધીમાં સમારકામ થઈ ગયા બાદ પાણી પુરવઠો પૂર્વવત્ કરાશે. દરમિયાન લીકેજને કારણે
ભુજ સહિત નર્મદા પાઇપલાઇનથી પાણી મેળવતાં શહેરોમાં પાણી વિતરણને અસર થશે. મળતી વિગતો
મુજબ ભુજ શહેરને આ લીકેજને કારણે ઓછા દબાણથી પાણી આપવામાં આવી રહ્યું છે. જેના કારણે
શહેરને પાણી વિતરણમાં આંશિક અસર પડશે. જો કે આવતીકાલે સાંજ સુધી પરિસ્થિતિ રાબેતા મુજબ
થઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અત્રે
ઉલ્લેખનીય છે કે સૂરજબારી માળિયા પાસે અગાઉ પણ નર્મદાની આ પાણીની લાઈનમાં મોટાપાયે
ભંગાણના બનાવો બની ચૂક્યા છે. અગાઉ આ લાઈન સાથે ટ્રક ભટકાતાં મોટું ભંગાણ સર્જાયું
હતું અને દિવસો સુધી કચ્છ પાણી વિના રહ્યું હતું. આ ઉપરાંત ખારાપટના કારણે પણ લાઈનમાં
લીકેજ થવાની સ્થિતિ અવારનવાર સર્જાય છે.