• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

મોટા આસંબિયામાં બારમાસી આંબાની ખેતી

કોડાય (તા. માંડવી), તા. 30 : ખેતીમાં નવીનતા અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં આવે તો ઓછા વિસ્તારમાં પણ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકાય છે, તેવો પ્રયોગ તાલુકાના મોટા આસંબિયા વિસ્તારમાં રોહન છેડાએ કર્યો છે. થાઈલેન્ડથી ચાર વર્ષ પહેલાં લાવવામાં આવેલા બારમાસી આંબાના આશરે 1200 રોપાનું વાવેતર કરી તેમણે નવી પદ્ધતિથી આંબાની ખેતી શરૂ કરી છે. ચાલુ વર્ષથી આંબામાં ઉત્પાદન શરૂ થયું છે અને સપ્ટેમ્બર માસમાં પ્રથમ ઉતારો બજારમાં પહોંચાડવામાં આવી રહ્યો છે. રોહનભાઈએ જણાવ્યું હતું કે, આશરે 10 ફૂટના અંતરે 1200 આંબાના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પદ્ધતિમાં એકમ વિસ્તારમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી વૈજ્ઞાનિક રીતે વૃક્ષનો વિકાસ કરવામાં આવે છે. ચાલુ વર્ષે આશરે 500 જેટલા આંબાના વૃક્ષોમાં ઉત્પાદન આવ્યું છે. બારમાસી આંબામાં વર્ષમાં બે વખત, સપ્ટેમ્બર અને માર્ચમાં ઉતારો મેળવી શકાય છે. હાલમાં ઉત્પાદન મુંબઈ, અમદાવાદ અને દિલ્હી સહિતના શહેરોમાં વેચાણ માટે મોકલવામાં આવે છે. આ ખેતીમાં માત્ર ઉત્પાદન મેળવવા કરતાં આંબાના વૃક્ષના સર્વાંગી વિકાસને મહત્ત્વ આપવામાં આવે છે. રોગ વ્યવસ્થાપન, પાણીનું યોગ્ય વ્યવસ્થાપન, વૃક્ષના છત્રનું યોગ્ય કદ અને આકાર જાળવવા માટેની કાપછાંટ તેમજ વૃક્ષને જરૂરી પોષણ મળે તે અંગે સતત ધ્યાન આપવામાં આવે છે. પાણીની ગુણવત્તા અને જમીનની તંદુરસ્તી જાણવા સમયાંતરે પાણી તથા જમીનનું પરીક્ષણ પણ કરાવવામાં આવે છે. ખેતી માટે બોરનું પુનભરણ કરવામાં આવે છે. પાણીનો બગાડ અટકાવી ઉપલબ્ધ પાણીનો યોગ્ય ઉપયોગ થાય તે માટે પણ તેઓ વિશેષ કાળજી રાખે છે. હાલમાં ગુજરાત ભરમાં એમના આંબા એક કિલોના 350થી 400 રૂપિયામાં વેચાય છે. ખાસ વાત એ છે કે રોહનભાઈ અગાઉ ઓસ્ટ્રેલિયામાં નાણાકીય ક્ષેત્રે વ્યવસાય કરતા હતા પરંતુ ખેતી પ્રત્યેના લગાવ અને કંઈક નવું કરવાની ભાવનાથી તેમણે વિદેશનો વ્યવસાય છોડીને મોટા આસંબિયા ખાતે ખેતીનો માર્ગ પસંદ કર્યો. વિવિધ વિસ્તારોના ખેડૂતો પાસેથી ખેતીની નવી પદ્ધતિઓની માહિતી મેળવવી અને તેનો પ્રયોગ કરવો તેમની ખેતીનો એક ભાગ બન્યો છે. લેબ પરીક્ષણમાં પણ આ બારમાસી આંબાની ગુણવત્તા અંગે રસપ્રદ પરિણામ મળ્યું છે. 10 સપ્ટેમ્બરે લેવામાં આવેલા આશરે 250 ગ્રામના નમુનાનું નવી મુંબઈની ઇક્વિનોક્સ લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 24 સપ્ટેમ્બરના અહેવાલ મુજબ આંબામાં દ્રાવ્ય ઘન પદાર્થનું પ્રમાણ એટલે કે મીઠાશનો માપ 20 ડિગ્રી બ્રિક્સ નોંધાયો છે. કુલ ખાંડનું પ્રમાણ 100 ગ્રામ દીઠ 19.51 ગ્રામ નોંધાયું છે. તેમના પિતા જયેશભાઈ છેડાએ જણાવ્યું હતું કે, `અમારો પરિવાર પેઢીઓથી ખેતી સાથે જોડાયેલો છે. હવે નવી પેઢી ખેતીમાં નવી પદ્ધતિ અને સંશોધન સાથે જોડાય તે જરૂરી છે. સજીવ ખેતી, પાણીનું સંચાલન અને જમીનનું જતન આજના સમયની જરૂરિયાત છે.' તેમની વાડીમાં આફ્રિકન હાર્ડવુડના 3,000 વૃક્ષો વાવેલા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd