• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

ભેડ માતાજીના મેળામાં કચ્છની ગ્રામ્ય સંસ્કૃતિ-લોકજીવનનાં દર્શન

કોટડા (ચ.), તા. 25 : ચોમાસામાં પડેલા માફકસરના વરસાદને પગલે પંથકમાં સર્જાયેલી લીલીછમ હરિયાળી, નદી-નાળાં, ચેકડેમોમાં ભરાયેલું પાણી અને ઠેર-ઠેર વહેતા ઝરણાં વચ્ચે ભેડિયા ડુંગર પર બિરાજમાન ભેડ માતાજીનો ભાતીગળ મેળો ધામધૂમથી યોજાયો હતો. કુદરતી સૌંદર્યની વચ્ચે યોજાયેલા મેળામાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. ભેડ માતાના મેળામાં કચ્છની પરંપરાગત ગ્રામ્ય સંસ્કૃતિ અને લોકજીવનનાં દર્શન થયા હતા. રબારી સમાજના માલધારીઓ પોતાના ઊંટ, ઘેટાં અને બકરાં સહિતના પશુધન સાથે મેળામાં પહોંચ્યા હતા. ભુજ, મુન્દ્રા અને અંજાર તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં મેળો માણવા અને માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. કોટડા ચકાર, રેહા, જાંબુડી, બદરા, લફરા, તુંબડી, લેર, કુકમા સહિત આસપાસના અનેક ગામોમાંથી લોકો પહોંચ્યા હતા. સણોસરા સહિતના ગામોના માલધારીઓ પરંપરાગત રીતે માતાજીની જાતર કરવા પહોંચ્યા હતા.મેળાની સાથે બાજુમાં આવેલા સરાણવાળા  માતાજીના સ્થાનકે રબારી સમાજની સદીઓથી અનેક પરંપરાગત ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. ભોપાઓ ભજન અને ભક્તો દ્વારા ડાકલા, ઘોર, ભજન તથા આરાધીવાણી સહિતના કાર્યક્રમોથી માતાજીનું પ્રાંગણ ગુંજી ઉઠ્યું હતું. માતાજીના પ્રાંગણમાં સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ સમૂહ ખીરનો મહાપ્રસાદ કરવામાં આવ્યો હતો. રાત્રિના સમયે આરાધીવાણી, ભજન અને માતાજીના ગરબાથી સમગ્ર સીમાડો ગુંજી ઉઠ્યો હતો. રબારી સમાજના પરિવારો દ્વારા બાળકોના નામકરણ સહિતની ધાર્મિક વિધિઓ તથા અન્ય પરંપરાગત પ્રસંગો માતાજીના આશીર્વાદ સાથે યોજાયા હતા. વિવિધ સમાજના સ્થાનકોના ભુવા-ભોપાઓએ પણ માતાજીના પ્રાંગણમાં હાજરી આપી હતી. મેળામાં ખાણી-પીણીની ચીજવસ્તુઓ સહિત વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. બાળકો અને યુવાનો માટે રમતગમત તથા મનોરંજનના સાધનો, ચકડોળ સહિતની રાઇડ્સમાં ભારે ભીડ જોવા મળી હતી. મેળા દરમિયાન પધ્ધર પોલીસ દ્વારા કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર મેળો ભક્તિ, લોકપરંપરા, ગ્રામ્ય સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યના અનોખા સંગમ સમાન બની રહ્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd