• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

વંદે માતરમ્ રાષ્ટ્રીય ચેતના, માતૃભૂમિ પ્રત્યેની ભક્તિનું પ્રતીક

ભુજ, તા. 25 : વિદ્યાભારતી સંલગ્ન કચ્છ કલ્યાણ સંઘ ટ્રસ્ટ સંચાલિત વિદ્યાલયો દ્વારા ભુજ ખાતે સંપૂર્ણ વંદે માતરમ્ સમૂહગાન યોજાયું હતું. વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાન દ્વારા દેશભરના તમામ વિદ્યાલયો મારફતે એક કરોડથી વધારે લોકો એક જ દિવસે, એક જ સમયે, એક ભાવ, એક સ્વર અને એક લય સાથે સામૂહિક વંદે માતરમ્ ગાન કરી વિશ્વ વિક્રમ નોંધાવી ગિની'સ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં આ ઘટનાને દર્જ કરાવી હતી. મહાન સાહિત્યકાર બંકિમચંદ્ર ચેટર્જીએ 150 વર્ષ પહેલાં વંદે માતરમ્ની રચના કરી હતી. વંદે માતરમ્ રાષ્ટ્રીય ચેતના, સ્વતંત્રતા સંગ્રામ, સાંસ્કૃતિક ગૌરવ અને માતૃભૂમિ પ્રત્યેની ભક્તિનું પ્રતીક છે, તેની ઉજવણી સંદર્ભે ભુજના ટાઉનહોલમાં વંદે માતરમ્ સમૂહ ગાન કરાયું હતું. કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત એન્કરવાલા સરસ્વતી શિશુવાટિકા અને મહારાવ પ્રાગમલજી ત્રીજા સરસ્વતી વિદ્યામંદિર સંતોષી ભવન અને એન્કરવાલા સરસ્વતી વિદ્યામંદિર પ્રસાદી ભવનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં અતિથિવિશેષ પદે ભુજના નગરપતિ શીતલભાઈ શાહ, મુખ્ય વક્તા તરીકે કચ્છ યુનિવર્સિટીના મેનેજમેન્ટ સ્ટડીઝ વિભાગના એસોસિયેટ પ્રાધ્યાપક કનિષ્કભાઈ શાહ, કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કચ્છ વિભાગના સંઘચાલક હિમંતાસિંહજી વસણ, ટ્રસ્ટી સુભાષ જોષી મંચસ્થ રહ્યા હતા. પ્રારંભમાં દીપ પ્રાગટય બાદ બાલિકાઓ દ્વારા વંદે માતરમ્ સંગીત સ્વાગત ગીત તેમજ પ્રસાદી ભવનના સહપ્રધાનાચાર્ય દર્શનાબેન ધોળકિયાએ વંદે માતરમ્નું ગીત રજૂ કર્યું હતું. વક્તા યુનિવર્સિટીના શ્રી શાહે ઉદ્બોધનમાં વિદ્યાભારતી દ્વારા અપાતા શિક્ષણની વાત કહી હતી. બાળક પ્રારંભથી રાષ્ટ્ર ચેતનાના માર્ગે ચાલે છે એ ગૌરવભરી વાત હોવાનું જણાવ્યું હતું. આ અવસરે ભુજની અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ, વિવધ સંસ્થાના અગ્રણીઓ, વિવિધ વોર્ડના કાઉન્સિલરો, નવીનભાઈ વ્યાસ, મેહુલભાઈ શાહ, જયસુખભાઈ માણેક, શાંતિલાલ ઠક્કર, નરેન્દ્રભાઈ ગોર, રિદ્ધિબેન કોઠારી, હસ્મીતાબેન ત્રિવેદી, મુક્તિબેન પટેલ  હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા ચિરાગભાઈ કોઠારી સહયોગી રહ્યા હતા. આયોજન સંતોષી ભવનના પ્રધાનાચાર્યા વર્ષાબેન ઠક્કર, પ્રસાદી ભવનના પ્રધાનાચાર્યા નીરવબેન પાંધીના માર્ગદર્શન હેઠળ સૌ શાળા પરિવારે સંભાળ્યું હતું. સંચાલન કચ્છ કલ્યાણ સંઘના માધવીબેન શાહ તેમજ આભારવિધિ નિયામક વનરાજસિંહ જાડેજાએ કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd