• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

ઔદ્યોગિક પાટનગરમાં કેમિકલ માફિયાઓનો આતંક

મનજી બોખાણી દ્વારા : ગાંધીધામ, તા. 24 : ઔદ્યોગિક ધમધમાટ ધરાવતા ગાંધીધામ સંકુલ તથા આસપાસના વિસ્તારોમાં, કાસેઝમાં આવેલી અમુક કેમિકલ ફેક્ટરીઓ હવે સ્થાનિકો માટે ધીમું ઝેર સાબિત થઇ રહી છે. દૈનિક ઉપયોગથી લઇને ઔદ્યોગિક સ્તરે વપરાતા ઇથાઇલ એસિટેટ, મિથેનોલ, એસિટોનાઇટ્રાઇલ, એન-હેકઝેન, પીવીસી રેસિન, એસિટિક એસિડ, સાઇકલોહેકસાનોન જેવા તથા અન્ય અત્યંત જોખમી અને જ્વલનશીલ રસાયણોનું ઉત્પાદન તેમજ પ્રોસેસિંગ કરતી ફેક્ટરીઓના કારણે સમગ્ર વિસ્તારમાં પ્રદૂષણ અને સ્વાસ્થ્ય સંબંધી ગંભીર કટોકટી ઊભી થઇ છે. સંકુલમાં થોડા દિવસોથી એલપીજી જેવી અત્યંત દુર્ગંધ મારતી વાસના કારણે પણ લોકોના જીવ અદ્ધર થયા હતા. આ દુર્ગંધ પણ કાસેઝની કોઇ કંપનીમાંથી આવતી હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. આર્થિક પાટનગર ગણાતાં ગાંધીધામ સંકુલ તથા આસપાસના વિસ્તારોમાં આજે સામાન્ય નાગરિકોને શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયું છે. ફેકટરીઓમાંથી છોડવામાં આવતા ઝેરી કેમિકલ્સ, વાયુઓ, પાઉડરના કારણે ગાંધીધામ ગેસ ચેમ્બરમાં ફેરવાઇ રહ્યું છે. એક બાજુ સ્થાનિકો ટીબી, શ્વાસ રુંધાવવો, કેન્સર જેવા ગંભીર રોગોનો ભોગ બની રહ્યા છે. બીજીબાજુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર તથા કાસેઝ આંખ આડા કાન કરીને કાગળ પર સબસલામત દર્શાવી પોતાની જવાબદારીઓમાંથી છટકી રહ્યા હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. - સ્વાસ્થ્ય માટે મોટું જોખમ : નિષ્ણાતોની ચેતવણી : ઔદ્યોગિક સોલ્વન્ટ અને રસાયણો જો ખુલ્લામાં કે યોગ્ય સુરક્ષા વગર છોડવામાં આવે તો તેનાથી માનવશરીર પર ગંભીર અસરો થાય છે. શ્વસન તંત્ર, ફેફસાં પર પ્રહાર, તીવ્ર બાષ્પ શ્વાસમાં જવાથી આંખ, નાક, ગળામાં તીવ્ર બળતરા થાય છે. લાંબાગાળે ફેફસાંના ગંભીર રોગો, દમના કિસ્સા વધી રહ્યા છે. - રાત્રિના અંધારામાં ઝેર છોડવાનો ખેલ : તંત્રની રહેમ નજર ? : સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કેમિકલ ફેક્ટરીઓ દિવસ દરમ્યાન પ્રદૂષણ નિયંત્રણના નાટક કરે છે અને રાત્રે 12થી વહેલી સવાર સુધી ચીમનીઓ અને વેસ્ટ પાઇપ લાઇન દ્વારા વાયુઓ ખુલ્લામાં છોડી દેવાતા હોવાના આક્ષેપ છે. - બારી-બારણાં બંધ રાખવાની મજબૂરી : રાત્રિના સમયે આવતી તીવ્ર રાસાયણિક દુર્ગંધના કારણે લોકો રાત્રે ઊંઘી શકતા નથી. નાના બાળકો, વૃદ્ધોમાં અચાનક ઉધરસ, ઉબકા અને શ્વાસ ઊપડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. માત્ર હવા જ નહીં, પાણી અને જમીન પણ ઝેરી થઇ રહ્યા છે. અમુક ફેક્ટરીઓનું પ્રવાહી, કેમિકલ જમીનમાં ઉતારી દેવાતાં ભૂગર્ભ જળ દૂષિત થઇ રહ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે. - ક્રબર અને ફિલ્ટર બંધના આક્ષેપો : ફેક્ટરીઓમાં ઝેરી ધુમાડો શુદ્ધ કરવા માટેના એર ક્રબર માત્ર દંડથી બચવા માટે જ બનાવાયા છે. વીજળીનું બિલ બચાવવા માટે આ પ્લાન્ટ મોટાભાગે બંધ જ રાખવામાં આવતા હોવાના પણ આક્ષેપ ઊઠયા હતા. પર્યાવરણપ્રેમીઓ, સ્થાનિક દ્વારા પ્રદૂષણ અંગે લેખિત રજૂઆતો કરવા છતાં આજદિન સુધી એકેય ફેક્ટરીનું લાયસન્સ રદ કરાયું હોય કે ફેક્ટરી સીલ કરાઇ હોય તેવું જણાતું ન હોવાનું બહાર આવ્યું હતું. આવી ફેક્ટરીઓની આસપાસ રહેતા લોકોના સ્વાસ્થ્ય તપાસ માટે સરકારી સ્તરે કોઇ જ મેડિકલ સર્વે કરવામાં આવતો નથી જેથી કેમિકલથી થતી બીમારીઓથી સરકારી આંકડો છુપાવી શકાય તેવા આક્ષેપો પણ ઊઠયા હતા. ઉદ્યોગો સામે વાંધો નથી પણ ધીમા ઝેરના કારણે તથા ઉદ્યોગપતિઓના નફા માટે બાળકોના શ્વાસનું બલિદાન નહીં અપાય તેવી લાગણી પ્રબળ બની છે. શું તંત્ર ભોપાલ ગેસ જેવી હોનારતની રાહ જોઇ રહ્યું છે તેવા પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે. થોડાક દિવસોથી ગાંધીધામ સંકુલમાં એલપીજી ગેસ જેવી અતિ વાસ મારતી દુર્ગંધથી લોકો બેચેન બન્યા હતા અને કંડલામાં કોઇ ટેન્ક લીક થયું હોવાનું જણાવતા હતા, પરંતુ જાણકારોના મતે આ વાસ કાસેઝમાં કેમિકલ બનાવતી એક ફેક્ટરીમાંથી આવતી હોવાનું જણાવાયું હતું. જો ખરેખર વાસ ત્યાંથી આવતી હોય તો જી.પી.સી.બી. અને કાસેઝ તંત્રએ કડક પગલાં લેવાની માંગ લોકોમાં ઊઠી હતી. આવી પરિસ્થિતિ બાદ પણ તંત્ર કોઇ પગલાં લેશે કે પછી ઉદ્યોપતિઓ સામે ઘૂંટણ ટેકવી લોકોને મરવા માટે છોડી દે છે તે જોવાનું રહ્યું. - કેમિકલનું મના, સ્વાસ્થ્ય પર થતી ગંભીર-જીવલેણ અસરો : 1) એસિટોનાઇટ્રાઇલ       શરીરમાં ગયા પછી સાયનાઇડમાં રૂપાંતરિત થાય છે. શ્વાસ રુંધાવાથી કે હાર્ટ એટેકથી સ્થળ પર જ મોત થઇ શકે છે. - 2) ઇથિલીન આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાઓ મુજબ ડાઇક્લોરાઇડ માનવશરીર માટે સીધું કેન્સરકારક રસાયણ છે. - 3) એન-હેકઝેન ચેતાતંત્ર પર સીધો પ્રહાર કરે છે. હાથ-પગમાં સુન્નતા, લકવો મારી જવાનું  જોખમ રહે છે. - 4) પીવીસી રેસિન હવામાં ઊડતી ઝેરી ધૂળ શ્વાસમાં જવાથી પાઉડર ફેફસાં કાયમી ધોરણે નકામા થઇ જાય છે. - 5) સોલ્વન્ટ-મિથેનોલ અત્યંત જ્વનલશીલ -આંખોમાં અંધાપો, ઇથાઇલ એસિટેટ   યકૃત, કિડની ફેલ્યોર થવાનું મુખ્ય કારણ. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd