નખત્રાણા, તા. 27 : અહીંની તાલુકા પંચાયત કચેરીમાં
એટીવીટી કાર્યવાહ સમિતિની બેઠક તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીબેન ગોસ્વામીના અધ્યક્ષ
સ્થાને મળી હતી જેમાં વર્ષ 2025-26 વહીવટી
વર્ષ અંતર્ગત રૂા. 1.49 કરોડ રૂપિયાની
ગ્રાન્ટના મંજૂર થયેલાં કામોને બહાલી આપવામાં આવી હતી તથા વર્ષ 2026-27 માટે આયોજનની રૂા. 1 કરોડની ગ્રાન્ટમાંથી કયાં કામો કરવાનાં
છે તે સંબંધિત જે-તે વિસ્તારના લોકપ્રતિનિધિઓને આગામી તા. 30 ઓગસ્ટની સમયમર્યાદામાં દરખાસ્ત
કરવા ઇજન આપવામાં આવ્યું હતું. આરંભમાં ટીડીઓ હાર્દિક ગઢવીએ સ્વાગત કર્યા બાદ એટીવીટી
કાર્યવાહ સમિતિ અને પ્રાંત અધિકારી નખત્રાણાને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા
નખત્રાણા તાલુકાના 83 જેટલાં ગામો
માટે આંગણવાડી, સી.સી. રોડ, ઇન્ટરલોક, કમ્પાઉન્ડ વોલ, આંગણવાડી
શેડ, શૌચાલય, પાણીના ટાંકા, પાઇપલાઇન, હવાડા, ગટરલાઇન સહિતના
લોકોની પાયાની સુવિધાઓનાં કામોની લેખિત યાદી વંચાણે લેવાઇ હતી. બેઠકમાં ઉપસ્થિત જિ.પં.
વિપક્ષી નેતા રાજેશભાઇ આહીર, સદસ્યા નેહાબેન રૂપારેલએ વર્ષ 2026-27મા સૂચિત 1 કરોડનાં કામો દરેક વિકાસમાં સરખા ભાગે લેવા
સૂચન કર્યું હતું. જિ.પં. સદસ્ય દિનેશભાઇ રૂડાણી,
કા.ચેરમેન મંજુલાબેન ચાવડા, સામાજિક ન્યાય સમિતિના
ચેરમેન જશોદાબેન બળિયા સહિત એટીવીટી સમિતિને રૂપાંતર કરવા અગાઉ સત્તા પક્ષના બે એટીવીટી
સદસ્યોની સમિતિ હતી. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ દ્વારા સૂચવેલ સમિતિમાં સમિતિની
યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી બનાવી તાલુકા એટીવીટી આયોજન સમિતિને મર્જ કરવાનો નિર્ણય
લેવાયો છે. નવી યુટીપીસી વિકાસ આયોજન સંકલન અને અમલીકરણની જવાબદારી સંભાળશે. આથી વહીવટી
પ્રક્રિયા ઝડપથી થશે. નવી કમિટીમાં તા.પં. પ્રમુખ, (અધ્યક્ષ)
એસડીએમ સહ અધ્યક્ષ, ટીડીઓ સભ્ય સચિવ તરીકે રહેશે. સાંસદ,
ધારાસભ્ય, જિલ્લા પંચાયત સભ્યો, વિવિધ વિભાગોના અધિકારીઓને પણ સ્થાન અપાશે. આ નિર્ણયને ઉપસ્થિત સભ્યોએ આવકાર્યો
હતો.