ભુજ, તા. 27 : `ખેલેગા ઇન્ડિયા, ખીલેગા ઇન્ડિયા'ના સૂત્ર
સાથે 29 ઓગસ્ટ અંતર્ગત રાષ્ટ્રીય રમતગમત
દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા `ખેલો ઇન્ડિયા યુવા સંવાદ' કાર્યક્રમ અંતર્ગત દેશભરના યુવા ખેલાડીઓ,
10 લાખથી વધુ યુવાનો, કોચ સાથે સીધો સંવાદ કર્યો હતો, જેમાં 1500થી વધુ સ્થળોએ
સંસ્થાઓ જોડાઇ હતી. `મારું યુવા
ભારત'-ભુજ દ્વારા સાંસદ વિનોદભાઇ ચાવડાની અધ્યક્ષતામાં
ધારાસભ્ય કેશુભાઇ પટેલની હાજરીમાં કાર્યક્રમમાં સહભાગિતા નોંધાવાઇ હતી. ભુજની મુક્તજીવન
સ્વામી બાપા ગર્લ્સ કોલેજ ખાતે ખેલો ઇન્ડિયા ડાયલોગ કાર્યક્રમ અંતર્ગત વર્ચ્યુઅલ સંબોધન
કરતાં નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું હતું કે, રમતગમત માટે તેમનું
વિઝન માત્ર મેડલ જીતવા પૂરતું નહીં, પરંતુ વ્યક્તિત્વના વિકાસ,
પરિવાર અને દેશના ગૌરવ સાથે રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયાનો ભાગ બનાવવાનું
છે. ઓલિમ્પિકમાં ઘણી બધી રમતો છે, પરંતુ ભારત તેમાંથી અડધી રમતોમાં
ભાગ લેતું નથી. પેરિસ ઓલિમ્પિકમાં ભારતે માત્ર 16 રમતમાં ભાગ લીધો હતો. આ હિસ્સેદારી
વધારવા માટે 2036ની ઓલિમ્પિકની તૈયારી માટે
ટેલેન્ટ હન્ટ અભિયાન સહિતના કાર્યક્રમો દ્વારા પ્રતિભા શોધ કરાશે. સરકાર તરફથી સંપૂર્ણ
સહયોગની ખાતરી આપી હતી. 15મી ઓગસ્ટે
લાલ કિલ્લાથી તેમણે ભારત માટે ખેલનું વિઝન રજૂ કર્યું હોવાનું ઉમેરતાં વિકસિત ભારતના
નિર્માણમાં ખેલશક્તિ અને યુવા શક્તિને જોડવા આહ્વાન કર્યું હતું. ખેલના મેદાન કે સમાજ
વચ્ચે દેશના યુવાની ભાગીદારી જ ભારતની શક્તિ છે તેમ જણાવી સંવાદમાં પોતાના વિચારો વ્યક્ત
કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ શિક્ષણ, આરોગ્ય, રમતગમત,
વિજ્ઞાન, ટેકનોલોજી, કૃષિ
તથા ગામડાંઓના વિકાસ સહિતના વિવિધ ક્ષેત્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 12 વર્ષના નેતૃત્વ દરમ્યાન થયેલા
હરણફાળ વિકાસની વાત કરી દીકરીઓને ઉચ્ચ અભ્યાસ મેળવી આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હતું
તેમજ રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવી હતી. દરમ્યાન,
વડાપ્રધાનના વર્ચ્યુઅલ સંબોધન સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ
પણ પ્રવચન કર્યું હતું. યુવા મોરચાના પ્રમુખ રામભાઇ ગઢવીએ `વંદે માતરમ્'ના ઇતિહાસ અને રાષ્ટ્રીય મહત્ત્વ પર પ્રકાશ પાડતાં
150 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે
(તેના બે છંદને બદલે) છ છંદ સાથેનું સંપૂર્ણ વંદે માતરમ્નું ગાન કરવા અપીલ કરી રાષ્ટ્ર
ગૌરવની ભાવના વ્યક્ત કરી હતી. નગરપાલિકા પ્રમુખ શીતલભાઇ શાહ, મહામંત્રી ભાર્ગવભાઇ શાહ, ટ્રસ્ટી કીર્તિભાઇ વરસાણી, ડિસ્ટ્રીક્ટ યૂથ ઓફિસર અમિત
શર્મા તેમજ ખેલાડીઓ -યોગ એથ્લિટસ હીના રાજગોર, પેરા ક્રિકેટના
વિભાભાઇ રબારી તેમજ પેરાસ્વીમર સાહિલ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.