• મંગળવાર, 07 જુલાઈ, 2026

અલગઅલગ જોબચાર્ટ ન બનતાં તલાટી-કમ મંત્રીઓ દ્વારા મહેસસૂલી કામગીરીનો બહિષ્કાર

ભુજ, તા. 6 : સરકાર દ્વારા મહેસૂલ વિભાગની કામગીરી તેમજ પંચાયત તથા ગ્રામ વિકાસની કામગીરી બાબતે અલગઅલગ જોબચાર્ટ ન બનતાં ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના આદેશ અંતર્ગત કચ્છ જિલ્લા તલાટી મંડળ દ્વારા મહેસસૂલી કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા તલાટી કમ મંત્રીઓના જોબચાર્ટ બાબતે અવારનવાર સરકારમાં રજૂઆત કરાઈ છે અને સરકારે કમિટીની રચના પણ કરી છે, તેમ છતાં મહેસૂલ વિભાગ અને પંચાયત તથા ગ્રામ વિકાસની  કામગીરી અલગ કરવા જોબચાર્ટ નક્કી ન કરાતાં ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશને પગલે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સવાયની તમામ વિભાગોની કામગીરી સદંતર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અનુસંધાને સોમવારે જિલ્લા  કલેકટરને આવેદન પત્ર અપાયું હતું. હાલ ગ્રામ્ય લેવલે તલાટી કમ મંત્રી, મહેસૂલી તલાટી અને ગ્રામ સેવક (ખેતી), આ ત્રણેય કેડરમાં  તલાટી કમ મંત્રી જૂની કેડર છે, સરકાર દ્વારા સમયાંતરે ગ્રામ્ય કક્ષાએ કામનું ભારણ વધ્યું છે, પરંતુ કામની વહેંચણી ન થવાના કારણે ગ્રામ્યકક્ષાએ સંઘર્ષની સ્થિતિ ઉદભવે છે. હાલ પંચાયતની સાથેસાથે મહેસૂલ અને ખેતીવાડી વિભાગની મોટાભાગની કામગીરી તલાટી કમ મંત્રી કરે છે. આ સસંદર્ભે 2022માં તલાટીઓ દ્વાર હડતાળ સમેટાઈ ત્યારે જોબચાર્ટ બનાવવા ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાનું નક્કી કરાયું હતું જેને આજે ત્રણેક વર્ષ જેટલો સમય થયો તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. રાજ્યના તલાટી મહામંડળ દ્વારા મહેસૂલ વિભાગના ગામના નમૂના 1થી 18 સહિતની મહેસૂલી કામગીરી તથા પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયના અન્ય તમામ વિભાગની કામગીર અન્ય આદેશ ન થાય ત્યાં સુધી ન કરવા જણાવાયું છે. આવેદન પત્ર આપવામાં કચ્છ જિલ્લા પ્રમુખ વિજયભાઈ ગોસ્વામી, મહામંત્રી રૂપસિંહ જાડેજા, રાજ્ય પ્રતિનિધિ શૈલેન્દ્રસિંહ જાડેજા, હર્ષદભાઈ ચૌધરી, ઉપપ્રમુખો રારૂવદાન ગઢવી, રાજલબેન રતનું તેમજ તાલુકા મંડળના પ્રમુખો, મંત્રીઓ સહિતના મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd