ગાંધીધામ, તા. 6 : મુંબઈમાં ભારે વરસાદનાં કારણે કચ્છથી મુંબઈનો
રેલવ્યવહાર પ્રભાવિત થયો છે. દૈનિક ભુજથી મુંબઈ જતી અને આવતી બંને ટ્રેનો ઉપર આ
વરસાદની અસર જોવા મળી છે. એક ટ્રેનને આંશિક રદ કરાઈ છે, જ્યારે બીજી ટ્રેન કલાકો મોડી પડી હતી. ભારે વરસાદનાં કારણે રેલવ્યવહાર
ખોરવાતાં મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. જો કે, સુરત સહિતના અલગ-અલગ સ્ટેશનો ઉપર રેલવે પ્રશાસન દ્વારા મુસાફરો માટે
ચા-નાસ્તા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુસાફરોને યોગ્ય માહિતી મળી રહે તે
માટે હેલ્પડેસ્ક સ્થાપિત કરવામાં આવ્યા છે. અલગ-અલગ સ્ટેશનો ઉપરથી મુસાફરોને તેના
ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. કચ્છથી મુંબઈ જતી
સયાજી એક્સપ્રેસને સુરત સ્ટેશન ઉપર રોકી દેવામાં આવી છે અને ત્યાંથી જ પરત
ઉપાડવામાં આવશે, જ્યારે કચ્છ એક્સપ્રેસ દહાણુ રોડ રોકી
દેવામાં આવી હતી અને ત્યાંથી ઉપાડવામાં આવશે. મુસાફરો મુશ્કેલીઓનો સામનો કરીને વસઈ
રોડ માર્ગે મુંબઈ પહોંચ્યા હતા. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને
ગુજરાતભરમાંથી મુંબઈ જતી ટ્રેનો પ્રભાવિત થઈ છે. રેલવ્યવહાર ખોરવાયો છે. આ ઉપરાંત
મુંબઈથી અન્ય રાજ્યોમાં જતી અને આવતી ટ્રેનો પણ પ્રભાવિત થઈ છે. ભારે વરસાદનાં
કારણે કેલવે રોડ, વસઈ રોડ અને નાલાસોપારા સ્ટેશનોમાં પાણી
ભરાયું છે તેનાં કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા
આપીને રેલવે પ્રશાસન દ્વારા અલગ-અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.
પુના-ભુજ, ગાંધીધામ- તિરુનેલવેલીના રૂટ બદલાયા
મુંબઈમાં
ભારે વરસાદનાં કારણે ઘણી ટ્રેનો અમુક સ્થાનો સુધી રદ કરાઈ છે, તો ઘણી ટ્રેનના રૂટ બદલવામાં આવ્યા છે તેમાં પુના-ભુજ ટ્રેન દૌડ, મનમાડ, જલગાંવ,
પાલધી, સુરતના રૂટ ઉપરથી ચાલશે, જ્યારે ગાંધીધામ-તિરુનેલવેલી એક્સપ્રેસ ટ્રેન સુરત, પાલધી,
જલગાંવ અને મનમાડના રૂટથી ચલાવવામાં આવશે તેવું રેલવે પ્રશાસને જણાવ્યું હતું.