રાપરમાં
એક કલાકમાં દોઢ ઈંચ : વાગડથી શરૂ થયેલો
ઝાપટાંનો દોર જિલ્લાના અન્ય વિસ્તારો સુધી પહોંચ્યો : બાલસરીમાં વીજળી પડી
ભુજ, તા. 6 : કચ્છીમાડુઓ લાંબા સમયથી જેના આગમની કાગડોળે રાહ
જોતા હતા એ વરસાદે આજે તોફાની પવન સાથે અનેક વિસ્તારોમાં પધરામણી કરી હતી. વાગડથી
શરૂ થયેલો ઝાપટાંનો દોર રાત સુધી જિલ્લાના અન્ય વિસ્તારોમાં જોવા મળ્યો હતો.
રાપરમાં એક કલાકમાં દોઢ ઈંચ સાથે ભચાઉ, અંજાર તેમજ
ભુજના સરહદી ગામડાઓમાં વરસાદે પોતાની હાજરી પુરાવી હતી. દિવસભરના ઉકળાટ પછી
સમીસાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગે હળવોથી મધ્યમ વરસાદ વરસવાની
આગાહી યથાવત રાખી છે.
રાપર
તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર
આખો
દિવસ ઉકળાટ અને બફારા બાદ સાંજે સાત વાગ્યે ગાજવીજ અને તોફાની પવન સાથે એક કલાક
સુધી રાપર શહેરમાં વરસાદ વરસ્યો હતો. હાઈવેપટ્ટીનાં ગાગોદર, પલાંસવા, કાનમેર, મેવાસા,
સઈ, ડાભુંડા, રામવાવ,
ભીમાસર, આડેસર સહિતનાં ગામોમાં વરસાદ પડયો
હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાંથળનાં બાલાસર, જાટાવાડા વગેરે ગામોમાં પણ મિની વાવાઝોડું અને વરસાદ
હોવાનું જયેન્દ્રાસિંહ વાઘેલાએ જણાવ્યું
હતું, તો બેલા-મૌવાણામાં સામાન્ય વરસાદ હોવાનું ભૂપતાસિંહ
વાઘેલાએ જણાવ્યું હતું. ત્રંબૌમાં પણ એકાદ ઈંચ વરસ્યો હોવાનું ડોલરરાય ગોરે
જણાવ્યું હતું. રાપરમાં અવિરત એક કલાક સુધી મન મૂકીને વરસતાં રસ્તા પર પાણી વહી
નીકળ્યાં હતાં, તો અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
હતાં. બજારમાં માલીચોકથી સેલારીનાકા બાજુ ગટરનું કામ ચાલુ હોવાથી ખોદેલા ખાડા
વરસાદી પાણી ભરાતાં જોખમી બન્યા હતા, તો ભારે પવનથી અનેક
જગ્યાએ પતરાં અને હોર્ડિંગ્સ ઊડયાં હતાં. વાવણીલાયક વરસાદ વરસતાં ખેડૂતોને હાશ થઈ
હતી. પલાંસવામાં એક ઈંચ વરસાદ પડયાનું પરેશ દવેએ જણાવ્યું હતું. રાપરમાં સત્તાવાર
રીતે 36 મી.મી.
એટલે કે દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લા મથક ભુજમાં રાત્રે સાડા આઠ વાગ્યા બાદ
ભારે પવન ફૂંકાવા સાથે ઝરમર છાંટા પડયા હતા. અંજાર શહેરના અલગ-અલગ વિસ્તારમાં મોડી
સાંજે પવન સાથે વરસાદી ઝાપટાં વરસતાં માર્ગ ભીંજાયા હતા. અંજાર તાલુકાના રતનાલ, આંબાપર, સત્તાપર, લાખાપર
સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.
ભુજ
તાલુકાના સરહદી ખાવડા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે પોણા આઠ વાગ્યા
બાદ જોરદાર ઝાપટું વરસતાં ગામની ગલીઓમાં પાણી વહી નીકળ્યાં હતાં. રાપરના
બાલાસરીમાં ઝાડ પર વીજળી પડી હતી. ઝાડ તૂટીને વીજતાર પર પડતાં વીજપોલ ધરાશાયી થયો
હતો.
ભચાઉના
વિવિધ ભાગોમાં ઝરમર
સાંજે
સાત વાગ્યા બાદ સૂરજબારી બ્રિજ પાર કરી વરસાદી માહોલ આગળ વધ્યો હતો. સામખિયાળીમાં
પ્રારંભિક ઝાપટું પડયા બાદ ધોધમાર વરસાદ પડયો હતો. લાકડિયા કાંઠાના જંગી, લલિયાણા, વાંઢિયા, વોંધ,
રામદેવપીરમાં ઝાપટાં પડયાં હતાં. ભચાઉ નગરમાં સાત વાગ્યાથી પવન,
સખત ગરમી અને ગાજવીજ બાદ આઠ વાગ્યા બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો
હતો. પવન સાથે ઝાપટું વરસતાં વીજળી પણ અનેક વિસ્તારોમાં ગુલ થઈ હતી. દરમિયાન આખો
દિવસ જિલ્લામાં તાપ-ઉકળાટ અનુભવાયો હતો. કંડલા (એ.) 39, કંડલા
પોર્ટ 38 અને
ભુજમાં 36 ડિગ્રી
સાથે રાજ્યના ત્રણ મોખરાના ગરમ મથક બન્યા હતા. ભુજ સહિતના સ્થળે સાંજે સોનવર્ણી
સંધ્યા ખીલતાં સારા વરસાદના સંકેત જોવા મળ્યા હતા.
ગાંધીધામમાં
ગાજવીજ સાથે વરસાદ
ગાંધીધામમાં
દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ અને ઉકળાટ વચ્ચે રાત્રિના આઠ વાગ્યાના અરસામાં
અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જોરદાર પવન ફૂંકાયા પછી ગાજવીજ સાથે મેઘરાજાની
ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. 15 મિનિટમાં ચોતરફ પાણી-પાણી થઈ ગયું હતું.
રાત્રિના સમયે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ
વરસાદના પગલે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. જેના કારણે મોડે સુધી ઓફિસોમાં કામ
કરીને ઘરે પરત જઈ રહેલા વાહનચાલકો અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.
વરસાદ શરૂ થતાંની સાથે જ વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. અંધારામાં માર્ગો પર રહેલા
ખાડાઓના કારણે લોકોને વ્યાપક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો, પરંતુ વીજ પુરવઠો કાર્યરત કરવામાં પીજીવીસીએલનું તંત્ર નિષ્ફળ નીવડયું
હતું.
ગાંધીધામ, આદિપુર, કંડલા અને સંકુલમાં વરસાદ પડતાંની સાથે જ
ગરમીથી લોકોએ આંશિક રાહત અનુભવી હતી, પરંતુ લાઈટ ન હોવાથી
મુશ્કેલીઓ વધી હતી. આદિપુરના ચારવાળી વિસ્તારમાં વરસાદના છાંટા શરૂ થતાં જ ટીસીમાં
ધડાકા સાથે આગ લાગી હતી. જો કે, થોડા દિવસ પહેલાં પણ પાવર
વધઘટના કારણે લોકોના ઘરના પંખા-ફ્રીજ સહિતના વીજ ઉપકરણો બળી ગયાં હતાં. ગંભીર
સમસ્યા છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી, પરિણામે
લોકોમાં આક્રોશ ફેલાયો છે. લાંબા સમયથી સંકુલવાસીઓ સારા વરસાદની રાહ જોઈ રહ્યા
હતા. રાત્રિના સમયે વરસાદ આવ્યો હતો અને લોકો એ રાહત અનુભવી હતી, પરંતુ વરસાદની સાથે-સાથે સમસ્યાઓના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો
હતો.
નખત્રાણામાં
પણ આર્દ્રા નક્ષત્રના અંતિમ દિવસે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના ચમકારા
સાથે છૂટાછવાયા ઝાપટાં વરસવા શરૂ થયાં હતાં.