ગાંધીધામ, તા. 16 : નેશનલ હાઈ-વે ઓથોરિટીના નવનિયુક્ત
જી.એમ. (ટેક.) અને પ્રોજેક્ટ ડાયરેક્ટરની ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધિ મંડળે શુભેચ્છા
મુલાકાત લીધી હતી. આ વેળાએ કચ્છના વિકાસને સ્પર્શતા માર્ગ વિસ્તૃતીકરણ સહિતના મુદ્દા
ચર્ચાયા હતા. ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ દ્વારા કચ્છમાં આવેલા બે મહાબંદરગાહનાં કારણે દેશવ્યાપી એક્ઝિમ ટેડ અને વધતાં
વાહનોની સંખ્યાને ધ્યાને રાખીને સામખિયાળી-માળિયા
8 લેન પ્રકલ્પ માટે તૈયાર ડીપીઆરના અમલીકરણને વેગ આપવા તેમજ કંડલામાં ભારે
વાહનનોના ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે કંડલા-ખારીરોહર માર્ગ (કેકે રોડ) અંગે ભારપૂર્વક
રજૂઆત કરી હતી. મંત્રી મહેશ તીર્થાણી દ્વારા કંડલા-માળિયા કોસ્ટલ હાઈ-વે નિર્માણ અંગે
ભારપૂર્વક રજૂઆત કરાઈ હતી. આ માર્ગના કારણે ઈંધણ, મુસાફરીના સમયમાં બચાવ થશે તેમજ આ
માર્ગ દેશના પરિવહન ઉદ્યોગ માટે ગેમ ચેન્જર સાબિત થશે તેમજ વરિષ્ઠ કારોબારી સભ્ય હરીશ માહેશ્વરી દ્વારા ગ્રીનફિલ્ડ
એક્સપ્રેસ-વે, સામખિયાળી-ગાંધીધામ પોર્ટ કનેક્ટિવિટી, અમૃતસર-જામનગર એક્સપ્રેસ વેના
અંતિમ પેકેજની શરૂઆત તેમજ સામખિયાળી-સાંતલપુર 6 લેન પ્રકલ્પને ઝડપી પૂર્ણ કરવા સહિતના
મુદ્દે રજૂઆત કરી હતી. બેઠક દરમ્યાન ટોલ પ્લાઝાની ક્ષમતા વધારવા, ટ્રાફિક મેનેજમેન્ટમાં
આધુનિક વ્યવસ્થા લાવવા, તમામ મુખ્ય માર્ગોના રિસર્ફેસિંગ, ચોમાસાં પૂર્વે વરસાદી પાણીના
નિકાલ તથા સફાઈની સુવ્યવસ્થિત કામગીરી, રોજિંદાં પરિવહન અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને સીધી અસર કરતા વિવિધ મુદ્દાને
આવરીને ચર્ચા હાથ ધરાઈ હતી. કચ્છના ભાવિ વિકાસને ધ્યાનમાં રાખીને આયોજન કરવા અનુરોધ
કરાયો હતો. નવા પ્રોજેક્ટ ડાયેરક્ટર કેશવ ઘોડકેએ
રજૂઆતોને સાંભળીને તમામ મુદ્દે યોગ્ય કરવાની હૈયાધારણ આપતાં કહ્યું હતું કે, ઓથોરિટી
દ્વારા પોર્ટ કનેક્ટિવિટી, ટ્રાફિક મેનેજમેન્ટ અને સલામત માર્ગ વ્યવસ્થાને પ્રાથમિકતા
સાથે જોવામાં આવશે. ચેમ્બર દ્વારા કરાયેલી રજૂઆતો અને સૂચનોને વિકાસલક્ષી અને વ્યવહારુ
ગણાવી ભવિષ્યમાં સતત સંકલન અને સંવાદ દ્વારા
પ્રશ્નોના નિરાકરણ માટે હકારાત્મક સહયોગ આપવાની
ભાવના તેમણે વ્યક્ત કરી હતી.