• રવિવાર, 17 મે, 2026

પ્રજાલક્ષી પ્રશ્નોનાં ત્વરિત નિવારણની તાકીદ

ભુજ, તા. 16 : નવનિયુક્ત કલેક્ટર તરીકે અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. કલેક્ટરે ધારાસભ્યો અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને આવકારી નાગરિકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં સૂચન કર્યું છે. રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ રાપર વિસ્તારની પીજીવીસીએલ ઓફિસમાં સ્ટાફની ઘટ, વોલ્ટેજ સમસ્યા અને પેયજળ તેમજ નર્મદા કેનાલ અંગેના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જૂના વીજપોલ બદલવા, નવા બોર બનાવવા, રાપર તાલુકાની વાંઢોમાં પેયજળ પહોંચાડવા નર્મદાનાં પાણીથી ડેમ ભરવા, પાઇપ લાઇન વિતરણથી પેયજળ માળખું ઉત્કૃષ્ટ બનાવવા અતિ વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરંમત કરવા અતિવૃષ્ટિથી ક્ષતિગ્રસ્ત તળાવોને રિપેર કરવાં, ખેતીવાડી નુકસાની સર્વે, ઓવરલોડ વાહનોનું નિયમન, ગાગોદર કેનાલ રિપેરિંગ કામકાજ, સીમના રસ્તાઓની મરંમત, ખેડૂતોને સમયસર વીજ કનેક્શનની ફાળવણી સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી. અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ નખત્રાણા ખાતે મંજૂર ટાઉનહોલનું કામ, દયાપર ખાતે સરકારી કોલેજ, નખત્રાણામાં બિબ્બર ખાતે જાબરી ડેમનું નિર્માણ, ધાવડામાં હક્કપત્ર પ્રશ્નોનું નિરાકરણ, નખત્રાણા બાયપાસની કામગીરી, ગજણસર અને આમારા ગામની જમીનના રેકર્ડ, માતાના મઢ પવિત્ર યાત્રાધામમાં પાર્કિંગ ખાતે પાણીનો ભરાવ અને ખાનગી જમીનનો પ્રશ્ન, પાક નુકસાની સહાયના સરકારી ધારાધોરણો, ખાનગી કંપનીઓમાં સ્થાનિક લોકોને નોકરીમાં પ્રાથમિકતા સહિતની રજૂઆત કરી છે. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને નાગરિક હિતના પ્રશ્નોના ત્વરિત નિકાલની કામગીરી કરવા જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટરે પાણીના પ્રશ્નોનું નિવારણ લાવવા માટે પ્રાંત અધિકારીઓને ચોક્કસ આયોજન કરીને કામગીરી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત, કલેક્ટરે પ્રશ્નોનો કાયમી ઉકેલ આવે, લોકોને રાહત થાય અને સરકારી માળખાંનો નાગરિકોને ઉત્તમ લાભ મળે તે દિશામાં પ્રાથમિકતા આપીને કામગીરી કરવા સૂચના આપીને જણાવ્યું હતું કે, શાળા-કોલેજોને સાંકળીને કચ્છ જિલ્લામાં જે પણ નોકરીની તકો છે તે વિષયનું શિક્ષણ મેળવીને વિદ્યાર્થીઓ કચ્છ સહિત દેશના વિકાસમાં ભાગીદાર બનીને આત્મનિર્ભર બને તેના પર ભાર મૂકયો હતો. બેઠકમાં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર ડી.પી. ચૌહાણ, મદદનીશ કલેક્ટર ઉત્કર્ષ ઉજ્જવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, નાયબ પોલીસ અધિક્ષક એમ.જે. કિશ્ચિયન સહિત ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd