ભુજ, તા. 16 : અમેરિકા-ઇરાન વચ્ચે યુદ્ધના
વૈશ્વિક માહોલમાં સરહદી કચ્છ જિલ્લામાં ઇંધણની તંગીએ વિકટ સ્થિતિનું સર્જન કર્યું છે.
કચ્છમાં ઇંધણની અછતની સ્થિતિને થાળે પાડવા તંત્ર હરકતમાં આવ્યું છે. નવનિયુક્ત કલેક્ટર
અનિલ રાણાવસિયાની સૂચના હેઠળ ગત રાત્રિ દરમ્યાન જિલ્લા પુરવઠા વિભાગ અને તાલુકા મામલતદાર
કચેરીઓ દ્વારા 35 પેટ્રોલપંપ પર આકસ્મિક તપાસ
હાથ ધરવામાં આવી હતી. આ તપાસણી દરમ્યાન માધાપર હાઇ-વે પરથી 2000 લિટર ડીઝલ અને ગાડી 4.86 લાખનો મળી ગેરકાયદે ડીઝલનો
જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ તપાસણી સમયે જિલ્લા પુરવઠા કચેરી દ્વારા ગત રાત્રિના
સમયે ભુજથી માધાપર હાઇ-વે જવાના માર્ગે હાઇ-વે પરથી પસાર થતી એક ટાંકાવાળી ગાડીમાંથી
2000 લિટર જેટલો જ્વલનશીલ પેટ્રોલિયમ
પ્રવાહી ડીઝલનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ જથ્થા સાથે ડામોર લક્ષ્મણભાઇ નામનો
શખ્સ મળી આવતાં તેની પૂછતાછમાં કોઈ જ પ્રકારના આધાર-પુરાવા કે લાયસ્નસ ન મળતાં 2000 લિટર ડીઝલ જેવો જ્વલનશીલ
પેટ્રોલિયમ પ્રવાહીનો જથ્થો અને બાઉઝર સાથે કુલ રૂા. 4,86,560 સાથેનો મુદ્દામાલ સીઝ કરી
આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. - નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહીની તાકીદ : ખેડૂતો માટે સરકાર તરફથી 200 લિટરની મર્યાદામાં ડીઝલ મેળવવા
જોગવાઇ કરવામાં આવેલ છે, જેથી કચ્છ જિલ્લાના ખેડૂતોને જરૂરિયાત કરતાં વધુ ડીઝલનો સંગ્રહ
નહીં કરવા વહીવટી તંત્ર તરફથી ખાસ તાકીદ કરાઇ છે, જે ટ્રાન્સપોર્ટરો કે ઔદ્યોગિક એકમો
કન્ઝ્યુમર પંપ ધરાવે છે તેઓનાં વાહનોને રિટેલ પેટ્રોલપંપ ખાતેથી ડીઝલ ન લેવા પણ સરકાર
તરફથી સૂચના પરિપત્રિત કરવામાં આવી છે. અન્ન અને નાગરિક પુરવઠા-ગાંધીનગરના પરિપત્ર
અનુસાર જો કોઇ કન્ઝ્યુમર પંપ ધરાવતા ગ્રાહકો તરફથી રિટેલ પંપ ઉપરથી ડીઝલ મેળવવાની બાબત
ધ્યાને આવશે, તો સંબંધિત રિટેલ પંપ અને કન્ઝ્યુમર પંપધારક સામે કડક કાર્યવાહી કરવામાં
આવશે.