ભુજ, તા. 16 : કચ્છની સ્થાનિક સ્વરાજ્ય
સંસ્થાઓમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થયા બાદ હવે આ તમામ સંસ્થાઓમાં નવા હોદ્દેદારોની
વરણી માટેની કવાયત પૂર્ણતા ભણી પહોંચવા જઈ રહી છે. મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ જિલ્લા-તાલુકા
પંચાયતમાં નવા હોદ્દેદારો તરીકે કોણ આરૂઢ થશે તેની અટકળોનો આગામી દિવસોમાં અંત આવી
જશે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં હોદ્દેદારોની વરણી કરવા માટેની પ્રથમ બેઠક યોજવા
માટેની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જારી કરાયેલા રોટેશનના
આધારે પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના મહત્ત્વના હોદ્દાઓ પર હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે.
ગાંધીધામ મહાનગરપાલિકા ઉપરાંત ભુજ, અંજાર, માંડવી, નખત્રાણા અને મુંદરા-બારોઈ નગરપાલિકામાં
પ્રથમ અઢી વર્ષની મુદ્દત માટેના હોદ્દેદારોની નિમણૂક કરવા માટે 19મી મેના બેઠક યોજવાનું નિર્ધારિત કરાયું
છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકા માટે જારી કરાયેલાં પાંચ
વર્ષનાં રોટેશનના આધારે પ્રથમ ટર્મ માટેના સત્તાધીશો નક્કી કરવામાં આવશે. તો ગ્રામીણ
વિસ્તાર માટે મિની સંસદ સમાન જિ. પંચાયતમાં અઢી વર્ષની મુદ્દત માટે પ્રમુખ-ઉપપ્રમુખની
વરણી કરવા માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને 25 મે સોમવારના બપોરના 12 કલાકે બેઠક યોજવામાં આવશે. આ માટે વિકાસ કમિશનર કક્ષાએથી આદેશ
જારી કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે, કચ્છ જિ. પંચાયતનું પ્રમુખપદ આ વખતે અનુસૂચિત
આદિજાતિ મહિલા માટે અનામત જાહેર કરાયું છે. પ્રમુખ-ઉપપ્રમુખની નિયુક્તિ માટે 24 મે રવિવારના 11થી 2 દરમિયાન ઈચ્છુક દાવેદારો ફોર્મ ભરી શકશે. આ ફોર્મની ચકાસણી એ
જ દિવસે બપોરના બે વાગ્યા બાદ હાથ ધરાશે. નોંધનીય એ પણ છે કે, હવે કારોબારી અને સામાજિક
ન્યાય સમિતિના ચેરમેનની મુદ્દત પણ અઢી વર્ષની કરી દેવામાં આવી છે. દરમિયાન ભુજ તાલુકા
પંચાયતમાં 23 મે શનિવારે નવા હોદ્દેદારોની
વરણી માટે બેઠક યોજવામાં આવશે. નોંધનીય છે કે, તમામ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપે
સત્તા મેળવી છે. ભાજપ દ્વારા હોદ્દેદારોની પસંદગી કરવા માટે પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકો
મોકલી સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી.