ભુજ, તા. 14 : પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
તેમજ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ)ના સહયોગથી ધી ઇન્ડિયન પ્લેનેટરી
સોસાયટી સંચાલિત કચ્છમિત્ર જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ભુજ ખાતે વિશ્વ પૃથ્વી
દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ અને લોકોમાં આબોહવા પરિવર્તન, પર્યાવરણ સંરક્ષણ, ગ્રીન એનર્જી,
સસ્ટેનેબીલિટી તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકના નિવારણ અંગે વૈજ્ઞાનિક જાગૃતિ ફેલાવવા કાર્યક્રમ
યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પર્યાવરણ જાગૃતિની માનવ સાંકળ રેલી દ્વારા કરાઇ હતી.
ડાયરેક્ટર વિરલ પરમાર, કુલદીપસિંહ સંઘા, મધુલિકા જોશી, પ્રવીણ મહેશ્વરી, તુષાર હાથી
તેમજ જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ તેમજ પર્યાવરણપ્રેમીઓ જોડાયા હતા. તમામ સ્પર્ધકે
પૃથ્વીનાં જતન અને પર્યાવરણ સંરક્ષણ માટે સામૂહિક શપથ લીધા હતા. તજજ્ઞો દ્વારા આબોહવા
પરિવર્તન, સિંગલ યુઝ પ્લાસ્ટિક, પ્રદૂષણ, એમ.ઓ.ઇ.એસ.ની હવામાન માહિતી એપ્લીકેશન અંગે
માર્ગદર્શન અપાયું હતું. સાથે ચિત્ર, પોસ્ટર મેકિંગ, નિબંધ, સ્લોગન અને સૌરઊર્જા-પવનઊર્જા
પર મોડેલ મેકિંગ સ્પર્ધા યોજાઇ હતી. નિર્ણાયક તરીકે જિજ્ઞાબેન જોષી, ભૂમિબેન ગોસ્વામીએ
સેવા આપી હતી. વિજેતા તેમજ ભાગ લેનારને પ્રમાણપત્ર અપાયાં હતાં. જયશ્રીબેન ચાવડા, એ.
એ. સમા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાકેશ ભદ્રુ અને રાઘવ પરમારે વ્યવસ્થા સંભાળી હતી.