• શુક્રવાર, 15 મે, 2026

ગઢશીશામાં નિયમિત રીતે અનિયમિત તલાટીનાં કારણે ગ્રામજનોને હાલાકી

ગઢશીશા, તા. 14 : માંડવી તાલુકાના સૌથી વિકસિત અને મોટા એવા આ ગામ ખાતે તલાટીની અનિયમિત હાજરીથી વહીવટ ખોરવાય છે, જેનાં કારણે અરજદારોને ધક્કા ખાવા પડે છે અને નાનાં-મોટાં કામ માટે દિવસો સુધી રાહ જોવી પડે છે. આ સ્થિતિથી નારાજ ગામનાં મહિલા સરપંચ કોમલબેન સંજયગિરિ ગોસ્વામીએ પોતાના સહયોગીઓ સાથે આજે ધસી જઇને પંચાયતને તાળાંબંધી કરી હતી. સતત અનિયમિત તલાટીની વધારે પડતી ગેરહાજરીનાં કારણે લોકોનાં કાર્યો તો ઠીક ખુદ ગ્રામ પંચાયતનો પણ મોટાભાગનો આર્થિક વ્યવહાર ખોરવાયો છે, જેનાં કારણે ગ્રામ પંચાયત હસ્તક કામ કરતી એજન્સી કે અન્ય કારીગરોના વહીવટને અસર પહોંચી છે, તેવી ફરિયાદો  ઊઠી છે. આ સ્થિતિમાં પંચાયત સ્થળેથી થતી કામગીરી પણ વિલંબમાં પડી ગઇ છે, જેના કારણે જાગૃત નાગરિકો આક્રોષ વ્યક્ત કરી રહ્યા છે. બિનસત્તાવાર માહિતી મુજબ અહીં ગટર યોજનાનાં બિલો, રોડ-રસ્તાનાં બિલો, પંચાયતમાં થતી અન્ય ખરીદીનાં બિલો, રોડલાઇટનાં બિલ વગેરેનાં પણ ચૂકવણા સમયસર નથી થતાં, તેવા આક્ષેપો પણ બહાર આવી રહ્યા છે. આ બાબતે તપાસ કરતાં જાણવા મળ્યું કે, તલાટી કોઇ કારણસર રજામાં છે. આવાં મોટાં ગામનો વિકાસ ખોરવાય નહીં તે માટે આ ગામ ખાતે નિયમિત તલાટી મુકાય તે ખાસ જરૂરી છે, તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે. 

Panchang

dd