• શુક્રવાર, 15 મે, 2026

સતર્ક-સુરક્ષિત ખાવડા અંતર્ગત આર્મી દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ભુજ, તા. 14 : તાલુકાના સરહદી-પચ્છમ વિસ્તારના ખાવડામાં આર્મી-સ્ટેશન ભુજ દ્વારા `સતર્ક ખાવડા, સુરક્ષિત ખાવડા' અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરહદી-પચ્છમ વિસ્તારના વિવિધ ગામોના આગેવાનો, જાગૃત નાગરિકો હાજર રહ્યા હતા. પ્રણવનગર (ખાવડા)માં યોજાયેલા કાર્યક્રમમાં આર્મી સ્ટેશન-ભુજના અધિકારીઓ દ્વારા `સતર્ક ખાવડા, સુરક્ષિત ખાવડા' વિશે લોકોને જાણકારી- સમજણ અપાઈ હતી. ખાવડાથી થોડે આગળ - લયવારા (બન્ની)માં પ્રતિબંધિત વિસ્તાર છે. જેમાં કોઈ પણ પ્રવેશ તેમજ પોતાના પશુઓને ચરિયાણ માટે કે રેઢા મૂકવા પર પ્રતિબંધ છે. માટે આર્મી સૈન્ય દ્વારા વારંવાર અપાતી સૂચનાઓનું પાલન કરવા લોકોને જણાવાયું હતું. તેમજ બીટમાં કોઈ પણ લોખંડની શંકાસ્પદ વસ્તુઓ, ધાતુની  વસ્તુઓ, શેલ અથવા બોમ્બ જેવા કોઈ પણ વિસ્ફોટક પદાર્થ દેખાય તો તેનાથી દૂર રહેવું. તેમજ આર્મી અથવા ખાવડા પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક જાણ કરવા અપીલ કરાઈ હતી. આવા ધાતુઓ-શેલ ખૂબ જ જોખમી હોઈ શકે, જેની તકેદારી રાખવા આર્મીના અધિકારીઓ દ્વારા આહ્વાન કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આવા બોમ્બ કે લોખંડ - ધાતુઓના ટુકડાથી પ્રણવનગરના ગરીબ લોકો ભંગાર વીણવાની લાલચમાં ભોગ બની ચૂકયા છે. ફરી ભવિષ્યમાં આવા કોઈ બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે આ જાગૃતિ અને સમજણ રૂપે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખાવડા સ્થિત વિવિધ એજન્સીઓના અધિકારીઓ- ખાવડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર રહી સહયોગી બન્યા હતા. 

Panchang

dd