• શુક્રવાર, 15 મે, 2026

રાત્રે વાહનમાં નીકળો છો, તો ચેતજો ડીઝલ નથી !

ભુજ, તા. 14 : યુદ્ધનાં પગલે કચ્છમાં પેટ્રોલ-ડીઝલની અછત હોવાની બેજવાબદારીપૂર્વકની માહિતી આપવામાં આવે છે, પરંતુ હકીકત કંઇક અલગ જ છે. ખાસ કરીને રાત્રે હાઇ-વે પર નીકળતા ખાનગી વાહનચાલકોને વિચારીને નીકળવું જોઇએ કેમકે રાતના ભાગમાં અંધારાનો લાભ લઇ ખાનગી વાહનોમાં બેરલમાં ડીઝલનો જથ્થો ભરી દેવામાં આવે છે ને વાહનચાલકોને `ના' પાડી દેવામાં આવે છે. બીજીબાજુ પુરવઠા તંત્રને કાર્યવાહીમાં ભલામણનો આદેશ આવતાં લાચાર આ કચ્છમાં ઇંધણનાં નામે મોટો બેનામી કારોબાર શરૂ થઇ ગયો છે. ગઇકાલે `કચ્છમિત્ર'ની ટીમે હાઇ-વે પર પસાર થઇ ને પેટ્રોલપંપ પર શું ચાલે છે એ જાણવાનો પ્રયાસ કર્યો, તો અંધેર તંત્રનાં દૃશ્યો સામે આવ્યાં હતાં. પરિવાર સાથે કચ્છ બહારથી આવેલા ચાર પૈડાંવાળા વાહનચાલકનો પરિવાર બેબસ રીતે ડીઝલ મળશે તેની રાહમાં પેટ્રોલપંપ પાસે રાહ જોતો હતો અને તેમની જ સામે જીપમાં ખાલી બેરલ ડીઝલનાં ભરી દેવામાં આવતાં હતાં. કચ્છમાં 346 પેટ્રોલપંપ જુદી જુદી પેટ્રોલિયમ કંપનીના છે, ત્યારે સુખપર રોહા પાસેના પંપ ઉપર ખાનગી વાહનોને ના પાડવામાં આવતી હતી અને બેરલ ભરી દેવામાં આવતાં હતાં, તો મોથાળા પાસેના પેટ્રોલપંપ પર રાત્રે બેથી પાંચ દરમ્યાન બેરલની કતાર લાગી હતી, જે તમામને આખેઆખું ટેન્કર ખાલી કરી દેવાયું હોવાનું જાણવા મળ્યું હતું. તંત્ર દ્વારા એકબાજુ એવી સૂચના આપવામાં આવી છે કે, પંપ ઉપર બેરલમાં ડીઝલ કે પેટ્રોલ ભરી દેવામાં નહીં આવે, માત્ર વાહનની ટાંકીમાં જ જથ્થો આપવાનો રહેશે છતાં હાઇ-વે પરના પંપ ઉપર ખુલ્લેઆમ બેરલમાં ડીઝલ ભરાતું હતું. મળેલી માહિતી પ્રમાણે કોઇની સામે કાર્યવાહી શા માટે કરવામાં નથી આવતી તેનું કારણ એ છે કે, પેટ્રોલપંપવાળા મોટાભાગના મોટાં માથાંવાળાની માલિકીના હોવાથી કાર્યવાહી કરવા કોઇ તંત્રના અધિકારી જાય, તો તુરંત મોટાં માથાંની ભલામણ માટે ફોન આવી જાય છે. જે લોકો નાગરિકોના પ્રતિનિધિઓ છે એ જ નાગરિકોની વેદના જાણતા નથી, ત્યારે સવાલ એ થાય છે કે, કચ્છમાં જ અછત શા માટે ? કચ્છનાં મહાબંદર કંડલામાં ઇંધણનો જથ્થો ઉતરે છે, અહીં ઓઇલ કંપનીઓના મોટા સંગ્રહશક્તિ ધરાવતા ટાંકા છે છતાં કચ્છમાં અછત છે ને કચ્છ બહાર ક્યાંય કોઇ ડીઝલની તંગી સામે આવી નથી. મુંબઇથી આવેલા અબડાસાના એક પરિવારની કારમાં ડીઝલ નહીં હોવાથી હવે આગળ વધી શકાય તેમ નથી એમ જણાવ્યું ને કહ્યું કે, જ્યાં સુધી ડીઝલ નહીં મળે, ત્યાં સુધી પરત જઇ શકાય નહીં. ભુજથી અબડાસા તરફના ધોરીમાર્ગ પર 12થી વધારે પેટ્રોલપંપ ઉપર અમારી ટીમે રાત્રે તપાસ કરી, તો બધા જ પંપવાળાએ એક જ જવાબ આપ્યો કે, ડીઝલ નથી. ખરેખર આ ખોટું હતું, રાત્રે મોડેથી લાઇટો થતી હતી ને મોટી મોટી ટ્રકો જે પાર્ક કરાયેલી હતી, તેમાં અને બેરલમાં વધુ ભાવે ડીઝલ વેચાતું હતું આ સત્ય હકીકત છે. 

Panchang

dd