• શુક્રવાર, 15 મે, 2026

વૈશ્વિક કટોકટી વચ્ચેય કચ્છમાં NRI થાપણો 18055 કરોડે

મુંજાલ સોની દ્વારા : ભુજ, તા. 14 : મધ્યપૂર્વના તનાવ સહિતની વૈશ્વિક કટોકટી અને ડોલર સામે રૂપિયાની કંગાળ સ્થિતિ સહિતનાં પરિબળોને પગલે ભારતમાં એનઆરઆઈ ડિપોઝીટ્સના નવા પ્રવાહમા  એકંદર ઘટાડો નોંધાયો છે, પણ કચ્છમાં 202પ-26ના નાણાકીય વર્ષમાં બિનનિવાસી ગુજરાતીઓની કુલ થાપણમાં રૂા. 1072 કરોડનો વધારો નોંધાયો છે અને 31 માર્ચ 2026ની સ્થિતિમાં એનઆરઆઈ ડિપોઝીટ રૂા. 180પપ કરોડે પહોંચી ગઈ છે, જ્યારે કુલ ડિપોઝીટ પણ વધીને રૂા. 68367 કરોડ થઈ ગઈ છે. રસપ્રદ વાત એ છે કે, માત્ર બે તાલુકા ભુજ અને ગાંધીધામમાં જ રૂા. પ2380 કરોડની ડિપોઝીટ છે અને બાકીના સાત તાલુકામાં કુલ રૂા.1987 કરોડ છે. - બિનનિવાસી ભારતીયો અન્ય રોકાણો ભણી : ઉદ્યોગસાહસિક કચ્છીઓ સૈકાઓથી સીમાડાઓ ઓળંગીને વિસ્તર્યા છે અને સમૃદ્ધ બન્યા છે, ત્યારે ગુજરાતમાં જે ત્રણ જિલ્લામાં સૈથી વધુ એનઆરઆઈ થાપણો નોંધાઈ તેમાં કચ્છ પણ સામેલ હોય છે અને આ વખતે પણ એ પરંપરા જળવાયેલી છે, પણ એકંદરે ડિપોઝીટ ઈનફ્લો પોતાની મજબૂતી ગુમાવતો જાય છે. માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર, અમેરિકા અને યુકે જેવા દેશોમાં છેલ્લા કેટલાક સમયથી આર્થિક પરિસ્થિતિ નબળી પડી છે. ભારતની બેન્કોમાં અગાઉની તુલનાએ વ્યાજ દરોમાં પણ થોડો ઘટાડો થયો છે, તો બીજી તરફ હવે બિનનિવાસી ભારતીયો પણ ઈક્વિટી અને રિઅલ એસ્ટેટ, સોના-ચાંદી સહિતનાં રોકાણોમાં પોતાનાં નાણાનો પ્રવાહ વધારી દીધો છે, ત્યારે એનઆરઆઈ ડિપોઝીટના નવા પ્રવાહમાં પહેલા જેવી તેજી રહી નથી. કચ્છની લીડ દેના બેન્કના મેનેજર મીતેશ ગામિતે કચ્છમિત્રને આપેલી વિગત મુજબ 31 માર્ચ 2026ની સ્થિતિએ કચ્છમાં કુલ ડિપોઝીટ રૂા. 68367 કરોડ છે.  તેની સામે કચ્છી બેન્કોએ રૂા.37897 કરોડનું ધિરાણ આપેલું છે. આમ, ક્રેડિટ ડિપોઝીટ રેશિયો (સીડીઆર) પપ.43 ટકા જેટલો નોંધપાત્ર છે. - MSMEને રૂા. 12705 કરોડનું ધિરાણ : કચ્છમાં એક સમયે ઉભરાતી થાપણો સામે ખેતી, ઉદ્યોગો, સામાન્ય લોકોને ધિરાણનો રેશિયો માત્ર 30 ટકાની આસપાસ હતો, પણ છેલ્લા કેટલાક સમયથી આ દરમાં નોંધપાત્ર વધારો થયો છે. 202પ-26 દરમ્યાન ખેતી ક્ષેત્રે અપાયેલા ધિરાણની વાત કરીએ, તો ક્રોપમાં રૂા. 3991 કરોડ, એગ્રી ટર્મમાં રૂા. 1086 કરોડની લોન અપાઈ છે. નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે એમએસએમઈને રૂા. 1270પ કરોડનું નોંધપાત્ર ધિરાણ અપાયું છે.  અલબત્ત શિક્ષણ ક્ષેત્રે કચ્છમાં લોનને લઈને જાગૃતિ પણ ઓછી છે અને ધિરાણ પણ ઓછું અપાયું છે. ગત નાણાકીય વર્ષમાં માત્ર 12.39 કરોડની લોન છાત્રોએ મેળવી છે. હાઉસિંગમાં રૂા. પ86 કરોડનું ધિરાણ નોંધાયેલું છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં એપ્રિલ 202પથી જાન્યુઆરી 2026 દરમ્યાન એનઆરઆઈ થાપણોના ઈનફ્લોમાં લગભગ 2પ ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો થયો હતો. ડિસેમ્બર 202પમાં ભારતમાં કુલ એનઆરઆઈ ડિપોઝીટ 169 અબજ ડોલરને આંબી ગઈ હતી, પણ જાન્યુઆરીમાં તેમાં ચાર અબજ ડોલરનો ઘટાડો થઈ ગયો હતો. - રેમિટન્સમાં કમી આવશે : ભુજ, તા. 13 : અમેરિકા દ્વારા `વન બિગ બ્યૂટિફુલ એક્ટ' હેઠળ રેમિટ્રેન્સ એટલે કે વિદેશથી લોકો પોતાના દેશમાં જે નાણાં મોકલે તેના પર એક ટકા લેવી લાદવામાં આવી છે, જે 1 જાન્યુઆરી 2026થી અમલી બની છે. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયો અને કચ્છીઓ વસે છે અને આ લેવીને લીધે તેને લીધે ભારતમાં રેમિટન્સ વેટમાં લગભગ 500 મિલિયન ડોલરની કમીનો અંદાજ છે. 

Panchang

dd