• રવિવાર, 28 એપ્રિલ, 2024

કચ્છના કલાકારોએ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધાર્યું છે

માંડવી, તા. 28 : વિશ્વ રંગભૂમિ દિને માંડવીમાં રંગમંચ પૂજન યોજાયું હતું. છેલ્લા બે દાયકામાં વી.આર.ટી.આઈ. અને વિઝયુઅલ આર્ટસના ઉપક્રમે યોજાયેલ વિવિધ તાલીમ શિબિરના ફળ સ્વરૂપે કચ્છના કલાકારોએ માંડવીથી માંડીને જિલ્લા, રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેરી સિધ્ધિઓ હાંસલ કરી છે. લગભગ 00 ઉપરાંત કલાકારનું ઘડતર કરનાર સંસ્થાઓએ કચ્છની રંગભૂમિ ક્ષેત્રે અનેરું પ્રદાન આપ્યું છે તેવું વિશ્વ રંગભૂમિ દિને વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટયુટ (વી.આર.ટી.આઈ.) અને વિઝયુઅલ આર્ટસ-માંડવીના સંયુકત ઉપક્રમે રંગમંચ પૂજન અને કલાકાર મિલનના કાર્યક્રમમાં સંયોજક ગોરધન પટેલ `કવિ' જણાવ્યું હતું.  વી.આર.ટી.આઈ.ના પૂર્વ ટ્રસ્ટી ઉષાબેન શ્રોફની 77મી જન્મ જયંતીની પૂર્વસંધ્યાએ યોજાયેલ કાર્યક્રમમાં સંસ્થાના વિવેકદર્શન હોલના મંચ પર ભગવાન નટરાજના સ્થાપન સાથે કિરણભાઈ દવે દ્વારા શાત્રોકત રીતે રંગમંચ પૂજન કરાયું હતું, જેમાં વી.આર.ટી.આઈ.ના ડે. સી... કમલેન્દુ ભકત, દમયંતીબેન બારોટ તેમજ અન્યોના હસ્તે દીપ પ્રાગટય બાદ શરૂ થયેલ પૂજનવિધિમાં ગોરધન પટેલ `કવિ' તથા વિઝયુઅલ આર્ટસના કલાકારો જોડાયા હતા.  વિઝયુઅલ આર્ટસના ડાયરેકટર ડો. આર. વી. બસિયાએ નાટય ક્ષેત્રે યુવા પ્રતિભાઓને તાલીમથી માંડીને મંચ સુધી તકો આપવાનું કાર્ય થયું છે તેનો રાજીપો વ્યકત કર્યો હતો. પ્રસંગે ભાવિ કાર્યક્રમોની છણાવટ કરીને તે દિશામાં આગળ વધવા સંકલ્પ લેવાયો હતો. રમેશ નંદા, મયૂર રૂપેરા, તેજાભાઈ ચૌધરી, મુલેશ દોશી, વર્ષાબેન ભાનુશાલી તેમજ કલારસિકો ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા કપિલ ગોરે સંભાળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang