• રવિવાર, 28 એપ્રિલ, 2024

ભચાઉ નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાના ઉપક્રમે કલરવ વાર્ષિકોત્સવ યોજાયો

ભચાઉ, તા. 27 : નવજીવન વિકલાંગ સેવાશ્રય ભચાઉ દ્વારા કલરવ વાર્ષિકોત્સવ 2024 યોજાયો હતો, જેમાં 350 જેટલા વિદ્યાર્થીએ વિવિધકૃતિઓ રજૂ કરી આકર્ષણ જમાવ્યુ હતું. કાર્યક્રમમાં અધ્યક્ષપદે સુંદરમ મલ્ટિપેપ લિ.ના ડાયરેક્ટર અમૃતભાઈ છાડવા તથા અતિથિ  પદેચાંપશી પુનશી ફરિયા (ટ્રસ્ટી, નમસ્કાર તીર્થ), લાલજીભાઈ કરસનભાઈ કારીઆ (પ્રમુખ કલાપૂર્ણ તીર્થ દેવલાલી), પ્રકાશકુમાર મગનલાલ બારોટ તથા સમીરભાઈ ગર્ગ (પ્રમુખ, અગ્રવાલ સમાજ ગાંધીધામ), સંજય ગાંધી (ચેરમેન ગ્લોબલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીધામ), અમૃતભાઈ નિસર (સુલેહ પ્રોડક્શન), ડો. ધર્મેન્દ્ર પરમાર, મનોજભાઈ શ્રીમાળી વિગેરે હાજર રહ્યા હતા.નવજીવન વિકલાંગ સેવાશ્રય તળે  સંચાલિત પરમાબેન ભુરા  માલશી ગડા પરમશાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, એમ.પી.બી.એસ. કન્યા છાત્રાલય, ભૂમિબેન પ્રેમજી પુંજાભાઈ નિસર માધ્યમિક શાળા, કુમાર છાત્રાલય ભચાઉ, મંદબુદ્ધિ બાળકોની કિલકિલાટ સ્કૂલ હળવદ શાળાના 350 જેટલા બાળકે  કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં નારી તું નારાયણી, વર્તમાન સમયમાં શિક્ષણનું મહત્ત્વ, સોશિયલ મીડિયાનું નિયંત્રણ, દેશભક્તિના ગીતો, રાસગરબા, પિરામિડ સહિત વિભિન્ન પ્રકારની 22 કૃતિ પ્રસ્તુત થઈ હતી. સંસ્થા?દ્વારા જુનિયર કેજીથી ઉચ્ચત્તર માધ્યમિક  સુધી નોંધપાત્ર પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર સાથે સન્માન કરાયું હતું.  કાર્યક્રમમાં ઉપસ્થિત સમીરભાઈ ગર્ગ દ્વારા રૂા. એક લાખ, ચાપશી પુનશી ફરિયા દ્વારા 31 હજારનું અનુદાન અપાયું હતું. ઉપરાંત લાલજીભાઈ કરશનભાઈ દ્વારા દિવ્યાંગ બાળકોને  રૂા. ચાર હજાર ઈનામ સ્વરૂપે અપાયા  હતા. દાતાઓના અનુદાન બદલ  ખુશી વ્યક્ત કરતાં કાર્યક્રમના અધ્યક્ષ અને સંસ્થાના પૂર્વ પ્રમુખ અમૃતભાઈ છાડવાએ કહ્યું હતું કે,  સંસ્થાના સ્થાપક જીતુભાઈ જોષીએ શિક્ષણની જ્યોત જગાવી કોઈના કોઈના રૂપે લોકોને મદદરૂપ થવાની તેમની ભાવના રહી છે. શરૂઆતના તબક્કે સંસ્થા  પાસે નાણાં હતાં. લોકકલ્યાણ માટે સંઘર્ષ કરી માત્ર સકારાત્મક વિચારો રાખીને કાર્ય કરતા રહ્યા તેમજ તેમની મહેનત પણ ખૂબ નજીકથી જોઈ  છે, જેના પરિણામ સ્વરૂપ આજે  અનેક મધ્યમ વર્ગના પરિવારોના  બાળકો માટે સંસ્થા વટવૃક્ષ બની છે. સંસ્થાના મંત્રી જીતુભાઈ જોષીએ આવકાર અને અભિવાદન કર્યું હતું. સંસ્થાના ટ્રસ્ટી જયાબેન શાહનું અભિવાદન  કરાયું હતું. અંતમાં પરમશાંતિ અંગ્રેજી માધ્યમ શાળાના આચાર્ય જ્યોત્સનાબેને  આભારવિધિ કરી હતી. આયોજનને સફળ બનાવવા માટે અમરતભાઈ, વિશાલભાઈ જોષી, તૃપ્તિબેન, અલ્કાબેન, બળવંતભાઈ જોષી વિગેરેએ સહકાર આપ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang