• રવિવાર, 28 એપ્રિલ, 2024

માધાપરના બિનનિવાસી પરિવાર દ્વારા લેવા પટેલ હોસ્પિટલમાં ડાયાલિસીસ મશીનનું દાન

કેરા (તા. ભુજ), તા. 27 : જિલ્લાનો સૌથી મોટો અને ગરીબો માટે તદ્દન નિ:શુલ્ક લેવા પટેલ હોસ્પિટલનો `જયસામ' ડાયાલિસીસ વિભાગ કરુણાની મીઠી વીરડી બન્યો છે જેમાં સેવા થતી જોઇ વધુ એક મશીન માધાપરના દાતા પરિવારે દાન આપ્યું હતું. સ્વ. રતિલાલભાઇ લાલજી સિયાણી હસ્તે .. ગં.સ્વ. વેલબાઇ સિયાણી, પુત્રી લક્ષ્મીબેન અને નિર્મળાબેન, જમાઇ જેન્તીભાઇ સહપરિવાર ગામ માધાપર હાલે યુ.કે. લંડન દ્વારા કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ સંચાલિત માતા મેઘબાઇ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરને 7.50 લાખનો ચેક નિ:શુલ્ક ડાયાલિસીસ વિભાગમાં મશીન પેટે અપાયો હતો. ટ્રસ્ટે મશીન માટે દાન સ્વીકારતાં આભારની લાગણી વ્યક્ત કરી હતી. સમાજ પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયા, ટ્રસ્ટ મંત્રી મનજીભાઇ પિંડોરિયા, વ્યવસ્થાપક પ્રદીપ ભીંગરાડિયા, હિસાબનીશ અશ્વિન પિંડોરિયા ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયા, ઉપાધ્યક્ષ કેસરાભાઇ પિંડોરિયા, લેવા પટેલ હોસ્પિટલના સંચાલક ટ્રસ્ટી અરજણભાઇ પિંડોરિયાએ ગરીબ-જરૂરતમંદ દર્દીઓને મફત ડાયાલિસીસની સેવા અવિરત રાખવા દાતાઓને સંપૂર્ણ યશ આપી આભાર માન્યો હતો. દાતા પરિવારે પણ થઇ રહેલી સેવાને ઉત્તમ ગણાવી હતી. ભવિષ્યમાં ઉત્તરોત્તર મશીન ઉપલબ્ધિ સાથે વિભાગને 72 મશીન સુધી લઇ જવા ટ્રસ્ટે નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang