નવી દિલ્હી, તા. 27 : પેક્રિયાસ
(સ્વાદાપિંડ)નું કેન્સર લાંબા સમયથી તબીબી જગત માટે એક મોટો પડકાર રહ્યું છે. તે અન્ય
અવયવોમાં ફેલાય ત્યાં સુધી તેને પકડવું ખૂબ જ મુશ્કેલ હોય છે, જેના કારણે મોટાભાગના દર્દીઓનું નિદાન છેલ્લા
સ્ટેજમાં (મેટાસ્ટેટિક) થાય છે, પરંતુ, અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા બુધવારે એક નવી અને
અદ્યતન દવાને આપવામાં આવેલી મંજૂરીએ સ્વાદાપિંડ કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારો
માટે આશાનું એક નવું કિરણ જગાડ્યું છે. સ્વાદાપિંડનું કેન્સર અમેરિકા અને વિશ્વભરમાં
સૌથી ઘાતક કેન્સરમાંનું એક છે. અમેરિકન કેન્સર સોસાયટીના આંકડા જોઈએ તો આ વર્ષે અમેરિકામાં
લગભગ 67,000 નવા કેસ નોંધાશે. આ રોગને કારણે 52,000 થી વધુ લોકોનાં મૃત્યુ થવાની આશંકા છે. નિદાન પછી દર્દીઓનો પાંચ
વર્ષનો સર્વાઇવલ રેટ (જીવિત રહેવાનો દર) માત્ર 13 ટકા છે. આ ભયાનક આંકડાઓ દર્શાવે છે કે, આ બીમારી માટે એક અસરકારક સારવારની કેટલી સખત
જરૂર હતી, કેમ કે અન્ય કેન્સરથી વિપરીત, સ્વાદાપિંડનાં કેન્સર પર પરંપરાગત કીમોથેરાપીની અસર ખૂબ મર્યાદિત થતી હોય છે.
રિવોલ્યુશન મેડિસીન કંપની દ્વારા વિકસાવવામાં આવેલી આ નવી દવાનું નામ ડેરાક્સોનરાસિબ
(બ્રાન્ડ નામ: રાસોન્ક - Rasonc) છે. આ ગોળી
દરરોજ લેવાની હોય છે. લગભગ 90 ટકાથી વધુ
સ્વાદાપિંડનાં કેન્સરમાં છઅજ નામનું પ્રોટીન પરિવર્તિત થઈને ગાંઠના વિકાસને વેગ આપે
છે. છેલ્લા 40 વર્ષથી વૈજ્ઞાનિકો આ પ્રોટીનને
`અનડ્રગેબલ' માનતા હતા, એટલે કે તેની
સામે કોઈ દવા કામ કરી શકતી ન હતી. પરંતુ `રાસોન્ક' એક મોલેક્યુલર
ગુંદરનો ઉપયોગ કરીને આ પ્રોટીન સાથે જોડાઈ જાય છે અને કેન્સરના કોષોને વધતા અટકાવે
છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ દવાનો એક મહિનાનો ખર્ચ આશરે 39,800 ડોલર (લગભગ 37.81 લાખ રૂપિય!) રહેશે.