• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

ગૌચર જમીનમાં ખનન સામે તરત પગલાં લો

અમદાવાદ, તા. 27 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓગસ્ટ -2026ના રાજ્ય સ્વાગત ઓનલાઇનમાં આવેલી નાગરિકોની રજૂઆતોના ઝડપી, ત્વરિત અને સમયસરના નિવારણ માટે જિલ્લા વહીવટી તંત્રને માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ યુ.એસ. અને કેનેડાનો પ્રવાસ પુર્ણ કરીને પરત આવતા સાથે જ રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહીને સામાન્ય નાગરિકોની સમસ્યાના નિરાકરણ માટેની સંવેદનશીલતા દર્શાવી હતી. દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતા સ્વાગત અંતર્ગત ઓગસ્ટ-2026ના રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીએ રજૂઆતો સાંભળીને તેના નિવારણ માટે સૂચનો કર્યા હતા. આ સંદર્ભમાં તેમણે મહેસાણા જિલ્લાના કડા ગામની ગૌચર જમીનમાં થતી ગેરકાયદે ખનન પ્રક્રિયાની રજૂઆત સામે જિલ્લા વહીવટી તંત્ર અને કમિશનર જીઓલોજી એન્ડ માઈનીંગને તાત્કાલિક અસરથી પગલા ભરવા તેમજ કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ તાકીદ કરી હતી. દરમ્યાનમાં મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રતીક શાહની તાકીદની અસરથી બદલીનો આદેશ જારી કરી દેવાયો છે. તેમણે પાટણ જિલ્લામાં આવાસ યોજનાના મકાનોના લાભાર્થીઓ દ્વારા ગેરકાયદેસર રીતે મકાન ભાડે આપવાની જે રજૂઆત આવી હતી તેની ગંભીર નોંધ લઈને પાટણ જિલ્લા કલેકટરને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.મુખ્યમંત્રી સમક્ષ આ રાજ્યસ્વાગતમાં ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ગીર-સોમનાથ, સાબરકાંઠા અને વાવ-થરાદ જિલ્લાની વિવિધ રજૂઆતો સાથે નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રજૂઆતો અંગે સમયસર અને રજૂઆત કર્તાને સંતોષપૂર્વકના યોગ્ય નિરાકરણ માટેની સૂચનાઓ આપી હતી.

Panchang

dd