• મંગળવાર, 07 જુલાઈ, 2026

ખાતર ભરેલાં 15 જહાજ ભારત આવવા રવાના

નવી દિલ્હી, તા. 6 : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ અને ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ હોવા છતાં ભારત માટે એક મોટી રાહતના સમાચાર આવ્યા છે. ખાતર અને કાચો માલ લઈને આવી રહેલા 15 ભારતીય જહાજ સૌથી સંવેદનશીલ ગણાતી હોર્મુઝની ખાડી સુરક્ષિત રીતે પાર કરીને ભારત તરફ આગળ વધ્યા હતા. એક મીડિયા હેવાલ મુજબ, કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલયે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, દેશમાં ખાતર અને તેનો કાચો માલ લઈને આવી રહેલા 15 જહાજ અત્યંત સંવેદનશીલ ગણાતી હોર્મુઝની ખાડી સુરક્ષિત રીતે પાર કરી ચૂક્યા છે અને ભારત તરફ આગળ વધી રહ્યા છે. સરકારના સઘન પ્રયાસોને કારણે દેશમાં ખેડૂતો માટે ખાતરની અછતનો મોટો ખતરો ટળી ગયો છે. 8 જહાજમાં 3.32 લાખ મીટ્રિક ટન યુરિયા છે. 4 જહાજમાં 2.57 એલએમટી ડાયએમોનિયમ ફોસ્ફેટ છે. 3 જહાજમાં 1.11 એલએમટી સલ્ફર લોડ થયેલું છે. આ ઉપરાંત, આગામી દિવસોમાં વધુ 5 જહાજ ખાતરનો જથ્થો લઈને ભારત આવવા માટે રવાના થવાના શિડ્યુલ હેઠળ છે. સરકાર માટે વધુ એક રાહતના સમાચાર એ છે કે, ખાતરના કારખાનાઓને અપાતો નેચરલ ગેસનો સપ્લાય, જે થોડા સમય પહેલાં ઘટીને 65 ટકા સુધી પહોંચી ગયો હતો, તે હવે ફરીથી 100 ટકા પુન: સ્થાપિત કરી દેવાયો છે. જેના કારણે સ્થાનિક સ્તરે ખાતરનું ઉત્પાદન પણ વેગ પકડશે. દેશમાં હાલ 197.56 લાખ મીટ્રિક ટન ખાતરનો સ્ટોક જમા કરાયો છે, જે દેશની વાર્ષિક 383.9 એલએમટી ખાતરની જરૂરિયાતના 51 ટકા કરતાં પણ વધારે છે.

Panchang

dd