• મંગળવાર, 22 એપ્રિલ, 2025

પાકિસ્તાનમાં હિન્દુ મંત્રી પર હુમલો : દેખાવકારોએ ટમેટા-બટેટા ફેંક્યા

નવી દિલ્હી, તા. 20 : પાકિસ્તાનમાં હિન્દુઓની સુરક્ષાનો મુદો્ હંમેશાંથી ચર્ચામાં રહ્યો છે. હવે સામાન્ય હિન્દુ જ નહીં, પાકિસ્તાન સરકારમાં હિન્દુ મંત્રી પણ સુરક્ષિત નથી. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિન્દુ રાજ્યમંત્રી પર દેખાવકારોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટના નવી નહેર યોજનાના વિરોધ દેખાવ દરમ્યાન બની હતી. વડાપ્રધાન શાહબાઝ શરીફે મંત્રીને ફોન કરી ઊંડી તપાસની ધરપત આપી હતી. અનેક પાકિસ્તાની નેતાઓએ આ હુમલાની ટીકા કરી હતી અને પોલીસને હુમલાખોરોને ઝડપવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે. સિંધ પ્રાંતમાં દેખાવકારોએ નવી નહેર યોજનાના વિરોધમાં રેલી કાઢી હતી એ દરમ્યાન પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના સાંસદ અને સરકારમાં ધાર્મિક બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી ખેલદાસ કોહિસ્તાની થટ્ટા જિલ્લામાંથી પસાર થઇ રહ્યા હતા તે વખતે દેખાવકારોએ તેમના કાફલાને ઘેરી લઇ બટેટા-ટમેટા ફેંકયા હતા. દેખાવકારારોએ સંઘીય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, હુમલામાં કોહિસ્તાનીને કોઇ નુકસાન પહોંચ્યું ન હતું. સમાચાર એજન્સી પીટીઆઇએ રેડિયો પાકિસ્તાનને ટાંકીને જણાવ્યું હતું કે, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઘટના બાદ કોહિસ્તાનીને ફોન કર્યો હતો અને તેમને ઘટનાની ઊંડી તપાસની ધરપત આપી હતી. શરીફે કહ્યું કે, લોકપ્રતિનિધિ પર હુમલાની ઘટના અસ્વીકાર્ય છે. ઘટનામાં સામેલ લોકોને કડક સજા આપવામાં આવશે. શરીફ સરકારમાં મંત્રી અત્તા તરારે સિંધના પોલીસ મહાનિરીક્ષક (આઇજીપી) ગુલામ નબી મેમણ પાસે ઘટનાની વિગતો માગી હતી અને સંઘીય આંતરિક સચિવને અહેવાલ આપવાનો નિર્દેશ કર્યો હતો. સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદઅલી શાહે પણ ઘટનાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે, કોઇને પણ કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. તેમણે હૈદરાબાદ ક્ષેત્રના પોલીસ ઉપ મહાનિરીક્ષકને હુમલામાં સામેલ લોકોને ઝડપવા અને એક અહેવાલ આપવાનો નિર્દેશ કર્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd