નવી દિલ્હી, તા. 16 : અમેરિકાએ
ભારતની ચૂંટણીઓમાં મતદારોની ભાગીદારી વધારવા
માટે અપાતાં 182 કરોડના ભંડોળ પર રોક મૂકી દીધી
હતી. આ પગલાંની પ્રતિક્રિયારૂપે ભારતના સત્તારૂઢ પક્ષ ભાજપે દાવો કર્યો હતો કે, આ ભંડોળનો ઉપયોગ ભારતની ચૂંટણીને પ્રભાવિત કરવા
માટે કરાયો હતો. ભાજપ આઇટી સેલના અધ્યક્ષ અમિત માલવિયએ અમેરિકી કારોબારી જોર્જ સોરોસ
અને કોંગ્રેસ પર ચૂંટણીમાં દખલગીરીનો આરોપ મુક્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પના સહયોગી અને સરકારી ક્ષમતા વિભાગના પ્રમુખ એલન મસ્કે ભારતમાં મતદાનની ટકાવારી
વધારવા માટે અપાતી અમેરિકી આર્થિક મદદ પર રોક મૂકી દીધી હતી. મસ્કે દુનિયાભરમાં થઇ
રહેલા એક-એક અમેરિકી ખર્ચની ગંભીરતાપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. મસ્કના ફેંસલા બાદ
અમેરિકાના સરકારી ક્ષમતા વિભાગે જણાવ્યું હતું કે, અમેરિકી કરદાતાઓના
પૈસાથી થતા આવા તમામ ખર્ચ રદ કરવામાં આવે છે. કેસરિયા પક્ષના આઇટી સેલના વડા અમિત માલવિયએ અમેરિકાનાં પગલાંને ભારતની ચૂંટણીમાં બહારથી હસ્તક્ષેપ
લેખાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આવાં પગલાંથી નિશ્ચિતરૂપે
ભારતના સત્તાધારી પક્ષને કોઇ લાભ થવાનો નથી.