નવી દિલ્હી, તા. 16 : નવી દિલ્હી
રેલવે સ્ટેશને ગઇકાલે મહાકુંભમાં જનારા પ્રવાસીઓના ભારે ધસરાથી મચેલી નાસભાગમાં મૃત્યુ
પામનારાઓની સંખ્યા 18 થઇ હતી. ગઇકાલે
બનેલી આ ઘટના બાદ રેલવે સ્ટેશન પર હૃદય હચમચાવતા દૃશ્યો સર્જાયા હતા. ઘટનાના 24 કલાક બાદ દિલ્હી પોલીસે નિવેદન
આપીને જણાવ્યું હતું કે, પ્રયાગરાજ
જનારી બે ટ્રેનના એકસરખા નામને કારણે પ્રવાસીઓમાં ભ્રમની સ્થિતિ સર્જાતાં નાસભાગ થઇ
હતી. ઉત્તર રેલવે દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટના સર્જાયા બાદ રેલવે દ્વારા
મહાકુંભ મેળા માટે ચાર વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ ભાગદોડની ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. દિલ્હીના એલજી આજે પીડિતોને
મળ્યા હતા. નવી દિલ્હી રેલવે સ્ટેશને બનેલી ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે,
ગઇકાલે રાત્રે નવી દિલ્હીથી પ્રયાગરાજ માટે ચાર ટ્રેન રવાના થવાની હતી
પરંતુ તેમાંથી ત્રણ ટ્રેન મોડી પડી હતી, જેને કારણે સ્ટેશન પર
પ્રવાસીઓનું દબાણ વધ્યું હતું. જે લોકો પ્લેટફોર્મ-14 પર પ્રયાગરાજ એક્સપ્રેસમાં
ચઢી ન શક્યા તે પ્લેટફોર્મ-16 તરફ આગળ વધતાં
પ્રવાસીઓની ભીડ કાબૂ બહાર થઇ ગઇ હતી.