પ્રયાગરાજ, તા. 9 : રવિવારની રજાનાં કારણે ભક્ત
સમુદાયની ભારે ભીડ ઊમટી પડતાં મહાકુંભમાં મહાજામ સર્જાયો હતો. સંગમ પહોંચવાના તમામ
માર્ગો પર 10થી 15 કિલોમીટર સુધી જામમાં વાહનો ફસાયાં હતાં. પ્રયાગરાજ પહોંચતાં
રસ્તા પર 25 કિલોમીટર સુધી વાહનોની લાંબી
કતારોની સાથે 12 ફેબ્રુઆરીના પૂનમનાં પગલે સંગમ
સ્ટેશન બંધ કરવાની ફરજ પડી હતી. હજારોની સંખ્યામાં ભક્તો 10-12 કલાક સુધી ફસાયેલા રહ્યા હતા.
સંગમમાં સ્નાન કરવા માટે જતા અને સ્નાન કર્યા પછી પરત ફરી રહેલા ભાવિકોને ભૂખ્યા-તરસ્યા
રહીને જામ ખૂલવાની રાહ કલાકો સુધી જોવી પડી હતી. દરમ્યાન, મહાકુંભ ક્ષેત્રના ઝુંસી હવેલિયા સ્થિત તપોવન
આશ્રમમાં બાવન ફૂટ ઊંચાઇ સાથે દુનિયાનું પ્રથમ
મહામૃત્યુંજય યંત્ર બનાવાયું છે. આ અદ્ભુત યંત્ર તૈયાર કરવામાં લગભગ ચાર કરોડ રૂપિયાનો
ખર્ચ થયો હતો. મકરસંક્રાંતિથી 151 આચાર્ય આ યંત્રની નીચે બેસીને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી
રહ્યા છે. મહાશિવરાત્રિ સુધી 11 લાખ 11 હજાર 111 પંચમુખી રૂદ્રાક્ષ અભિમંત્રિત
કરવાની કવાયત જારી છે. તપોવન આશ્રમમાં નામ, સરનામું નોંધાવનાર ભક્તોને અભિમંત્રિત રૂદ્રાક્ષ ટપાલ મારફતે મોકલાશે. આજે
સવારે મેળા ક્ષેત્રના સેક્ટર-19માં આગ લાગતાં એક કલ્પવાસી તંબુ રાખ થઇ ગયો હતો. મહાકુંભ જતી
ટ્રેનોમાંયે ભારે ભીડ છે. જગ્યા ન મળતાં મહિલાઓ ટ્રેનનાં એન્જિનમાં ઘૂસી ગઇ હતી.