• ગુરુવાર, 13 માર્ચ, 2025

છત્તીસગઢમાં 31 નકસલીનો ખાતમો

રાયપુર, તા. 9 : નકસલવાદને નેસ્તનાબૂદ કરવાનો ભેખ લઈને રાત - દિવસ સાબદા રહેલા જાંબાઝ જવાનોએ રવિવારે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ભીષણ ઘર્ષણ દરમ્યાન બે-પાંચ નહીં પરંતુ એક સાથે 31 નકસલવાદીને ઠાર કરી નાખ્યા હતા. પંચાયત ચૂંટણી પૂર્વે અંતિમ ચરણની આ લડાઈમાં સુરક્ષા દળોને આજે મોટી સફળતા મળી છે, તો બીજી તરફ બહાદૂરીભેર લડતાં દેશના બે જવાન શહીદ થયા હતા. આ અથડામણ બાદ ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 31 માર્ચ 2026 સુધી નકસલવાદનો સંપૂર્ણ ખાતમો થઇ જશે અને નકસલવાદથી કોઇ ભારતીયનું મૃત્યુ થશે નહીં. મહારાષ્ટ્રની સરહદ નજીક ડીઆરજી (ડિસ્ટ્રિકટ રિઝર્વ ગાર્ડ), એસટીએફ અને બસ્તર ફાઈટર્સના સંયુક્ત ઓપરેશન બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું અને માર્યા ગયેલા નકસલીઓની ઓળખ મેળવવા પ્રયાસ હાથ ધરાયા હતા. મૃતક જવાનોમાં એક ડીઆરજી અને બીજો એસટીએફનો છે. ઈજાગ્રસ્ત જવાનોને એરલિફ્ટ કરીને રાયપુર લઈ જવાયા હતા. બીજાપુરના ઈંદ્રાવતી નેશનલ પાર્ક ક્ષેત્રમાં એક હજારથી વધુ જવાનોએ અભિયાન છેડયું હતું. ડીઆરજી અને એસટીએફના બે જવાને પ્રાણોનું બલિદાન આપ્યું હતું. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાથે શોક વ્યકત કરતાં કહ્યું હતું કે, દેશના જવાનોનું બલિદાન વ્યર્થ જવા નહીં દેવાય, પ્રદેશ-દેશને નકસલવાદમુક્ત કરીને જ રહીશું. બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પી.એ જણાવ્યું હતું કે, ઘર્ષણનાં સ્થળ પરથી ભારે જથ્થામાં વિસ્ફોટકો, હથિયારો સહિત મોતનો સામન કબજે કરાયો હતો. છત્તીસગઢ-મહારાષ્ટ્ર સીમા પર ભીષણ ઘર્ષણમાં 31 નકસલીને ઢેર કર્યા પછી હજુ જીવીત નકસલવાદીઓને પકડી પાડવા માટે તલાશી અભિયાન છેડાયું હતું. રવિવારની સવારે શરૂ થયા પછી દિવસ દરમ્યાન મોડે સુધી સામસામો ગોળીબાર ચાલ્યો હતો, જેમાં 31 નકસલીને ફૂંકી મારતાં દેશના બે જવાનોએ 5ણ જીવ ખોયો હતો. હકીકત કંઇક એવી જાણવા મળી હતી કે, સ્થાનિકે યોજિત પંચાયત ચૂંટણી પર નિશાન સાધવાનો નાપાક કારસો નકસલવાદીઓ ઘડી રહ્યા હતા. ચૂંટણીઓને અસર ન થાય તે માટે એલર્ટ મોડ પર રહેલા સુરક્ષા દળોને બીજાપુર નેશનલ પાર્ક ક્ષેત્રનાં જંગલોમાં નકસલવાદીઓ છૂપાઈ બેઠા હોવાની બાતમી મળી હતી. જાણ થતાં જ દળો તરત ત્યાં ધસી ગયા હતા. સુરક્ષા દળો ત્રાટકતાં બોખલાયેલા નકસલવાદીઓએ છૂપાઈને કપટપૂર્વક ગોળીબાર કરવા માંડયો હતો. જવાનોએ જડબાંતોડ જવાબરૂપે વળતો ગોળીબાર કરી 31 નકસલીને ઠાર કરી નાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢમાં ચાલુ વર્ષે અત્યાર સુધી બીજાપુર સહિત સાત જિલ્લામાં 81 નકસલવાદી માર્યા ગયા છે. 2024માં 219 નકસલી ઠાર કરાયા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd