નવી દિલ્હી, તા. 8 : કેન્દ્રમાં
સત્તાધારી ભાજપે હવે દેશનાં દિલ, દિલ્હીની
સત્તા ઉપર પણ કબજો જમાવી લીધો છે. આશરે 27 વર્ષ પછી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ વિજય નોંધાવ્યો
હતો અને આ વિજય બાદ દિલ્હીમાં ભાજપના મુખ્યાલય પર ખાસ વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું
હતું, જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા,
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન
નરેન્દ્ર મોદી આમાં ભાગ લેવા ત્યાં પહોંચ્યા હતા અને ભાજપના સાંસદોએ તેમનું ભવ્ય સ્વાગત
કર્યું હતું. અહીં મોદીએ ભાજપના કાર્યકર્તાઓને કરેલા સંબોધનમાં કહ્યું હતું કે,
દિલ્હીએ આપ-દાને બહાર ફેંકી દીધી છે. એક દાયકાની આપ-દામાંથી હવે દિલ્હી મુક્ત છે. દિલ્હીનો જનાદેશ સ્પષ્ટ છે. આજે દિલ્હીમાં વિકાસ, વિઝન
અને વિશ્વાસની જીત થઈ છે. પીએમ મોદીએ કહ્યું
હતું કે, હું દિલ્હીના પ્રત્યેક પરિવારજનને મોદી ગેરંટી પર વિશ્વાસ
કરવા બદલ મસ્તક નમાવીને નમન કરું છું. આપ ઉપર પ્રહાર કરતાં તેમણે કહ્યંy હતું કે,
શોર્ટકટની રાજનીતિ શોર્ટ સર્કિટ થઈ ગઈ છે. જેમને માલિક હોવાનો ઘમંડ હતો
તેને દિલ્હીએ નકારી દીધા છે. હું દિલ્હીવાસીઓને ફરીથી એકવાર વિશ્વાસ આપું છું કે તમારા
પ્રેમને સવાયો કરીને વિકાસનાં રૂપમાં પરત કરાશે. મોદીએ આગળ કહ્યું હતું કે,
આજનાં પરિણામોનું બીજું એક પાસું પણ છે. દિલ્હી માત્ર એક શહેર નથી,
આ દિલ્હી લઘુભારત છે, દિલ્હી `એક ભારત-શ્રેષ્ઠ ભારત'ના વિચારોને જીવે છે. લોકસભા ચૂંટણી પછી અમે
હરિયાણા, મહારાષ્ટ્રમાં એક નવો વિક્રમ બનાવ્યો અને હવે દિલ્હીમાં
એક નવો ઈતિહાસ રચાયો છે.પીએમ મોદીએ કહ્યું કે, ત્રણ-ત્રણ વખત
લોકસભામાં શત-પ્રતિશત વિજય મેળવ્યા બાદ પણ દેશભરના ભાજપ કાર્યકરોનાં મનમાં એક ખોટકો
હતો. જે દિલ્હીની જનતાની સેવા નહીં કરી શકવાનો અફસોસ હતો. આજે દિલ્હીમાં એવી કોઈ જગ્યાની
નથી, એવો કોઈ વર્ગ નથી જ્યાં કમળ ન ખીલ્યા હોય. તેમણે આગળ કહ્યું
હતું કે, દિલ્હીમાં ધરણા-પ્રદર્શનની રાજનીતિ, ટકરાવ અને વહીવટી અનિશ્ચિતતાએ લોકોનું ખૂબ નુકસાન કર્યું છે. દિલ્હીની જનતાએ
સ્પષ્ટ કરી દીધું છે કે, દિલ્હીનો માલિક કોઈ હોય તો એ માત્ર દિલ્હીની
જનતા છે. ભાજપના સાંસદોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પાર્ટી મુખ્યાલયમાં અભિવાદન
કર્યા બાદ જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે, જે પ્રકારે ભાજપનો ચૂંટણીમાં
વિજય થયો છે તે દેખાડે છે કે, દિલ્હીના દિલમાં મોદી વસે છે.