મુંબઈ, તા. 29 : મહારાષ્ટ્રમાં `મહાયુતિ'ના મુખ્ય પ્રધાનપદના ચહેરા અંગેનું
રહસ્ય યથાવત્ છે ત્યાં હવે નાયબ મુખ્ય પ્રધાનપદ લેવા અંગે શિવસેનાના નેતા એકનાથ શિંદેની
અનિચ્છાને પગલે નવો વળાંક આવ્યો છે. આમ છતાં શિવસેનાનાં આંતરિક વર્તુળોના કહેવા અનુસાર
શિંદેની નજર મહારાષ્ટ્રના ગૃહખાતા પર છે. `મહાયુતિ'ની મહત્ત્વની બેઠક આજે મળવાની હતી
પણ વિદાય લેતા મુખ્ય પ્રધાન શિંદે અચાનક તેમના વતન જવા રવાના થતાં હવે તે બેઠક રવિવારે
યોજાશે. આ કારણસર મહારાષ્ટ્રમાં નવી સરકારની સ્થાપના હવે આવતા સપ્તાહે થશે. જેને લીધે
અટકળોને વેગ મળ્યો છે. દરમ્યાન, અમુક મીડિયા અહેવાલમાં એવો પણ દાવો કરાયો છે કે મુખ્યમંત્રી
પદ મુદ્દે ભાજપ સૌને ચોંકાવી શકે છે. ભાજપના મોવડીઓ અમિત શાહ અને જે. પી. નડ્ડા સાથેની
શિંદેની બેઠકમાં આગામી મુખ્ય પ્રધાન સહુથી મોટા પક્ષ ભાજપનો હશે એ વિશે સંમતિ સધાઈ
હતી. જોકે, નાયબ મુખ્ય પ્રધાનપદ પોતાના માટે સ્વીકારવા તૈયાર થયા નહોતા. શિંદેની નજર
ગૃહખાતા અને નાણાં ખાતા ઉપર છે. શિવસેનાના વરિષ્ઠ નેતઓ પોતાના પક્ષને મહારાષ્ટ્રમાં
મજબૂત બનાવવા માટે મહત્ત્વનાં ખાતાઓ ઈચ્છે છે. અમિત શાહ અને જે. પી. નડ્ડાને મળ્યા
પછી શિંદેએ પત્રકારોને જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી ભાજપના
મોવડીઓ સાથે પ્રથમ બેઠક હતી. આ બેઠક સકારાત્મક અને સારી રહી હતી. ચૂંટણી પછી આ પહેલી
બેઠક હતી. અમિત શાહ અને જે. પી. નડ્ડા સાથે મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના વિશે ચર્ચા
થઈ હતી. `મહાયુતિ'ની
હજી એક બેઠક થશે. તેમાં નવી સરકારનો મુખ્ય પ્રધાન કોણ હશે એ વિશે ચર્ચા કરવામાં આવશે.
મુંબઈમાં આજે `મહાયુતિ'ની
બેઠક અને શિવસેનાના વિધાનસભ્યોની બેઠક યોજાઈ શકી નહોતી. શિવસેનાના નેતા અને વિદાય લેતી
`મહાયુતિ' સરકારના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે
આજે પત્રકારોને જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન શિંદે નારાજગીને કારણે તેમના વતન જવા
રવાના થયા નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનપદ અંગે
એકંદરે સંમતિ છે. આમ છતાં કેટલાંક ખાતાઓની વહેંચણી વિશેનો નિર્ણય લઈ શકાયો નથી. ભાજપ
મહત્ત્વના મંત્રાલય દેવા તૈયાર નથી. નાયબ મુખ્ય પ્રધાનપદનો હોદ્દો સ્વીકારવા માટે ઈચ્છુક
નથી. શિવસેનાના વિધાનસભ્ય અને પ્રવક્તા સંજય શિવસાટે જણાવ્યું હતું કે, એકનાથ શિંદે
નાયબ મુખ્ય પ્રધાન બને એવી સંભાવના નથી. જે નેતા પહેલાં મુખ્ય પ્રધાન રહી ચૂક્યો છે
તેના માટે નાયબ મુખ્ય પ્રધાનપદ સ્વીકારવું યોગ્ય લેખાય નહીં, એમ શિરસાટે ઉમેર્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાજપને ગૃહ, શિવસેનાની શહેરી વિકાસ અને જાહેર બાંધકામ તેમ
જ રાષ્ટ્રવાદીને નાણાં ખાતું આપવામાં આવશે. ભાજપના 22 કૅબિનેટ, શિવસેનાના 12 અને રાષ્ટ્રવાદીને
નવ પ્રધાનો મળે એવી સંભાવના છે.