• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

પ્રથમ તબક્કામાં 59 ટકા મતદાન

જમ્મુ, તા. 18 : કલમ 370 હટયા બાદ યોજિત પહેલી વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણમાં જમ્મુ અને કાશ્મીરના સાત જિલ્લાની 24 વિધાનસભા બેઠકો માટે બુધવારે 58.85 ટકા મતદાન થયું હતું. હજુ ચાર દિવસ પહેલાં જ આતંકવાદીઓ સાથે ઘર્ષણમાં બે ભારતીય જવાન જ્યાં શહીદ થયા હતા, તે કિશ્તવાડમાં સૌથી વધુ 77.23 ટકા કાશ્મરીઓએ મતાધિકારનો પ્રયોગ કર્યો હતો, તો પુલવામા ક્ષેત્રમાં સૌથી ઓછું 46.03 ટકા મતદાન થયું હતું. ખીણમાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. કિશ્તવાડ બાદ સૌથી વધુ 69.33 ટકા મતદાન ચાર દિવસ પહેલાં જ આતંકવાદીઓ સાથે જવાનોના ભીષણ ઘર્ષણના સાક્ષી બનેલા ડોડા જિલ્લામાં થયું  હતું. ત્યારબાદ 67.71 ટકા સાથે રામબન ત્રીજા સ્થાને રહ્યું હતું. ફુલગામમાં 61.57 ટકા, અનંતનાગમાં 54.17 ટકા, શોપિયામાં 53.64 ટકા મતદાન આજે સાંજે છ વાગ્યા સુધી થયું હતું. પ્રથમ ચરણમાં દક્ષિણ કાશ્મીરના ચાર જિલ્લા પુલવામા, શોપિયા, અનંતનાગ અને ફુલગામમાં તો, જમ્મુના ત્રણ જિલ્લા ડોડા, કિશ્તવાડ, રામબનમાં મતદાન થયું હતું. દેશના વિવિધ રાજ્યોમાં વસતા 35 હજારથી વધુ વિસ્થાપિત કાશ્મીરી પંડિતોએ પણ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ, કોંગ્રેસ-નેશલન કોન્ફરન્સ જોડાણ અને પીડીપી વચ્ચે છે. કુલ્લ 90માંથી 24 વિધાનસભા બેઠક માટે આજે મતદાન થયું હતું. હવે બીજા દોરનું મતદાન 25 સપ્ટેમ્બર અને પહેલી ઓક્ટોબરના ત્રીજા ચરણનું મતદાન યોજાશે. કાશ્મીરમાં 10 વર્ષ બાદ ચૂંટણી થઈ રહી છે. વર્ષ 2014ની ચૂંટણીમાં પીડીપીએ સૌથી વધુ 28 અને ભાજપે 25 બેઠક જીતી હતી. બન્ને પક્ષે સાથે મળીને સરકાર રચી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang