• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

કોઠારાના વ્યાજખોર ભાઇઓ સામે વધુ એક જમીનની છેતરપિંડીની ફરિયાદ

ભુજ, તા. 30 : કોઠારાના વ્યાજખોર ભાઇઓ આમદ હાજીમામદ મંધરા અને ઓસમાણ હાજી મામદ મંધરા વિરુદ્ધ વધુ એક જમીનની છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. આ અંગે ગઇકાલે કોઠારા પોલીસ મથકે મૂળ હરિયાણાના ખેડૂત સુરેન્દ્રકુમાર રામફલ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2017થી તા. 8/10/21 દરમ્યાન આરોપી આમદ અને તેના ભાઇ ઓસમાણ મંધરા (રહે. બંને કોઠારા)એ ફરિયાદીને તથા સાહેદોને વિશ્વાસમાં લઇ ફરિયાદીની કિંમતી જમીન રૂા. 35,20,000 વાળીના બદલામાં રોકડા રૂા. પાંચ લાખ તથા મકાન આપવાની વાત કરી હતી. ફરિયાદીની કિંમતી જમીનનો દસ્તાવેજ આરોપીઓએ પોતાના તથા તેઓના મળતિયાનાં નામે વિશ્વાસમાં લઇ કરાવી લીધા હતા. આ બાદ ફરિયાદી પાસે મકાનના સાટાકરારના 28 લાખ લખાવી લીધા બાદ મકાનનો દસ્તાવેજ ફરિયાદીને ન કરી આપીને ફરિયાદી તથા સાહેદ સુશીલકુમાર પાસે કોરા કાગળોમાં સહીઓ લઇ મકાન ખાલી કરાવી ફરિયાદી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે. કોઠારા પોલીસે આમદ અને ઓસમાણ ઉપરાંત તપાસમાં જે નીકળે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd