ગાંધીધામ, તા. 26 : અંજાર તાલુકાના તુણામાં સામાન્ય બાબતે થયેલી બબાલમાં બે ગાડીમાં આવેલા છ શખ્સે ત્રણ જણ ઉપર મારી નાખવાના
ઈરાદે ગાડી ચડાવી દીધી હોવાનો મામલો નોંધાયો
હતો. તુણામાં ગઈકાલે રાત્રિના 10થી 11 વાગ્યાના અરસામાં બનેલા બનાવ
અંગે ગામના વેપારી અખ્તર ઈશાકભાઈ ખારા મુસ્લિમે
આરોપી અનવર સિદિક ચેલા, જાફર સિદિક ચાવડા, રસીદ
સિદિક ચેલા, યાકુબ આમદ ચેલા, અભુ સુલેમાન
ચેલા, સદામ સિદિક ચેલા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો તો બીજી બાજુ
સામાપક્ષે છ જણ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ
સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,
ફરિયાદી તથા સાહેદ આમદ ઉર્ફે બધી જુશબ ખારા, ગની સુલેમાન ખારા ફરિયાદીની ઘરની બહાર
બેઠા હતા, તે સમયે ગેરકાયદેસર
રીતે મંડળી રચી પ્રાણઘાતક હથિયારો સાથે કાળા રંગની સ્કોર્પિયો ગાડી જીજે.36.સી.સી.9200 તથા સફેદ રંગની વેન્યૂ ગાડી
સાથે આરોપીઓ આવ્યા હતા. ફરિયાદી અને સાહેદો બેઠા હતા ત્યાં આરોપીઓએ પૂરઝડપે મારી નાખવાના
ઈરાદે ગાડી ચડાવી દઈ ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ આરોપીઓએ
ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં વર્ણવવામાં
આવ્યું હતું. પોલીસે વધુમાં ઉમેર્યું હતું કે, આ બનાવના થોડા સમય પહેલાં વાહન ઊભું
રાખવા મુદ્દે થયેલા મનદુ:ખ મુદ્દે ઉશ્કેરાયેલા આરોપીઓ પ્રાણઘાતક હથિયારો સાથે ફરિયાદીની
દુકાન પાસે આવીને બોલાચાલી કરી હતી. સમજાવટ બાદ આરોપીઓ સ્કોર્પિયો ગાડી લઈને જતા રહ્યા હતા. ત્યારબાદ તેમણે હુમલાના કૃત્યને અંજામ આપ્યો હતો. આ મારામારીના બનાવ અંગે સામાપક્ષે અબુબકર સુલેમાન
ચેલાએ આરોપી ગની સુલેમાન ખારા, આમદ ઉર્ફે બધી જુસબ ખારા, વસીમ ઈશાક ખારા, મુખતાર ઈશાક ખારા, અખ્તર ઈશાક ખારા, હુશેન સુલેમાન ખારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદીને ટાંકીને
જણાવ્યું હતું કે, ગેરકાયદેસર મંડળી રચી પ્રાણઘાતક હથિયારો સાથે
આવેલા આવેલા આરોપીઓએ ફરિયાદીને પકડીને ધારદાર હથિયાર વડે ખૂની હુમલો કરી આંખાના ભાગે
ગંભીર પ્રકારની ઈજા પહોંચાડવા સાથે ધોકા વડે પણ માર માર્યો હતો. દરમ્યાન વચ્ચે છોડાવવા
પડેલા ફરિયાદીના કાકાના દીકરા સદામ સિદિક ચેલાને
પણ આરોપીઓએ માર મારી મૂઢમાર જેવી ઈજા પહોંચાડી
હતી. ફરિયાદીના કાકાના દીકરા અનવરે આરોપી વસીમ
ખારાની દુકાન પાસે ગાડી ઊભી રાખી હતી. આ મુદ્દે
થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખીને આ
કૃત્યને અંજામ આપ્યો હતો. આરોપીઓએ બંને ગાડીમાં રૂા. 70 હજારનું નુકસાન થયું હોવાનું પણ ફરિયાદમાં વર્ણવવામાં આવ્યું છે.
પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.