• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

સામખિયાળીમાં ગળેફાંસો ખાઈ યુવાને જીવાદોરી ટૂંકાવી : કંડલામાં યુવાનનાં શંકાસ્પદ મોતથી ચકચાર

ગાંધીધામ, તા. 26 : ભચાઉ તાલુકાના સામખિયાળીમાં અગમ્ય કારણોસર તોહિદ અબ્દુલભાઈ કુંભાર (ઉ.વ. 19) નામના યુવાને ગળેફાંસો ખાઈને જિંદગીનો અંત આણ્યો હતો. અંજાર તાલુકાના માથકમાં જીવજંતુ કરડી જવાથી રામુબેન મોડાભાઈ રબારી (ઉ.વ. 40)નું મૃત્યુ થયું હતું. રાપર તાલુકાના  કાનમેરમાં થાંભલા ઉપરથી નીચે પટકાતાં હેમસિંગ ભગવાનસિંગ રજપૂત (ઉ.વ. 38)નું મૃત્યુ થયું હતું. કંડલામાં શંકાસ્પદ રીતે સલીમ હુશેન જામ (ઉ.વ. 30)નું મૃત્યુ થતાં પોલીસબેડામાં દોડધામ મચી હતી. આસોપાલવ ગેસ્ટ હાઉસની પાછળ રહેતા આ યુવાને પોતાના ઘરમાં ગત તા. 24/9ના સાંજે 6.30 વાગ્યા પહેલાં કોઈ કારણસર  પતરાવાળી છતમાં લાગેલા લોખંડના  એંગલમાં દુપટ્ટો  બાંધીને ગળેફાંસો ખાધો હતો.  આ યુવાને કયાં કારણોસર આ પ્રકારે અંતિમ પગલું ભરી લીધું હશે તે જાણવા પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ હાથ  ધરી છે. માથકના રામુબેન માથક ગૌશાળામાં ગયા હતા. ગત તા. 24/9ના 1 વાગ્યાના અરસામાં  કોઈ  અજાણ્યું જીવજંતુ કરડયું હતું. ત્યારબાદ તેમને સારવાર તળે ખસેડાયા હતા. તેમણે સારવાર કારગત નીવડે તે પહેલાં આંખો મીંચી લીધી હતી. રામબાગ હોસ્પિટલના ડો. બેચર સંઘાણીએ તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત મૃત્યુનો વધુ એક બનાવ  કાનમેરના રબારીવાસમાં  ગત તા. 25/9ના બપોરે 3 વાગ્યાના અરસામાં બન્યો હતો. મૂળ રાજસ્થાનના  હેમસિંગ  થાંભલા ઉપર કામ કરતા હતા ત્યારે અચાનક થાંભલો તૂટી  પડયો હતો, જેમાં હેમસિંગને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. પલાંસવા સરકારી હોસ્પિટલના ડો. વિપુલભાઈએ તેમને મૃત જાહેર કરતાં પરિવારમાં ગમગીની પ્રસરી હતી. કંડલાના મહેશ્વરી  સોસાયટીમાં  રહેતા સલીમ નામના યુવાન પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેના ગળામાં અને ડાબા કાન ઉપર ઈજાના નિશાન જોવા  મળ્યા હતા. ગત તા. 25/9ના 7 વાગ્યા પહેલાં અગમ્ય કારણોસર તેમનું મૃત્યુ થયું હતું.  મૃતકના પિતાએ મૃતક અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાનું પોલીસ સમક્ષ લખાવ્યું હતું. આ આક્ષેપને  લઈને હતભાગીનું જામનગરમાં પેનલ પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું, જેમાં ગળેફાંસો ખાવાથી તેમનું મૃત્યુ થયું હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd