ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 26 : સરકારી, ગૌચર કે જાહેરહિતની જગ્યાઓ ઉપર થયેલાં દબાણો
સામે હવે કચ્છનું વહીવટી તંત્ર વધુ ગંભીર બન્યું છે. કચ્છ કલેક્ટરે દર 15 દિવસે પેશકદમી અંગે સમીક્ષા
કરી કડક કાર્યવાહી માટે જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓને સૂચના આપી છે. ઉપરાંત જો જમીન
પરનો કબજો દૂર કરવામાં નહીં આવે તો સુઓમોટોથી કાર્યવાહી કરવામાં આવશે તેવો સ્પષ્ટ ઇશારો
સમાહર્તાએ આપ્યો છે. અત્યારે કચ્છમાં મોટાપાયે સરકારી જમીન પરના ગેરકાયદેસરના કબજા
પર બુલડોઝર ફરી રહ્યાં છે ને દબાણ હટાવવાની કડક કાર્યવાહી લાંબા સમય પછી દેખાઇ રહી
છે. કચ્છના તમામ ગામો હોય કે શહેરો ક્યાંય ખાલી સરકારી મોકાની જમીનો છોડવામાં આવતી
નથી અને ગમે ત્યાં કાચાં-પાકાં બાંધકામ કરી દેવાતાં હોવાથી ખુદ સરકારી કામો કે વિકાસ
યોજનામાં આ પ્રકારના દબાણ નડતરરૂપ હોવાથી પહેલી વખત કચ્છમાં સામૂહિક રીતે કાર્યવાહી
થઇ રહી છે. - શું કહે છે કલેક્ટર : કચ્છના કલેક્ટર અનિલ રાણાવસિયાએ વિગતો આપતાં
જણાવ્યું હતું કે, જમીનો પરની
પેશકદમી એ કચ્છમાં મોટી સમસ્યા છે. જો અત્યારે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં
અનેક પ્રશ્નો સર્જાઇ શકે છે. સરકારી કે ગૌચર પરની જમીન દબાણ મુદ્દે હવે કચ્છના તમામ
પ્રાંત અધિકારીઓ સાથે દર 15 દિવસે બેઠક
યોજવામાં આવે છે અને શું કાર્યવાહી થઇ, કેટલાં દબાણ તૂટયાં અથવા શા માટે તોડવામાં નથી આવ્યાં. આ તમામ મુદ્દે સમીક્ષા
કરી કાર્યવાહી નહીં થાય તો જવાબદારી પ્રાંત અધિકારીઓની કલેક્ટરે નક્કી કરી હતી અને
તેમણે દરેક મિટિંગમાં ક્યાંયથી જમીન દબાણની ફરિયાદ આવે તો તુરંત કાર્યવાહી કરવી પડશે
તેવી સ્પષ્ટ તાકીદ કરી હતી. - ટેકનોલોજીનો ઉપયોગ : અત્યાર સુધી એવું હતું કે,
જમીન દબાણની ફરિયાદો આવે ત્યારે સ્થળ પર જતી સરકારી ટીમોને સર્વે નંબર
શોધવામાં મુશ્કેલીઓ નડતી હતી, પરંતુ હવે તો ટેકનોલોજીનો દબાણ
દૂર કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. સરકારે એક એપ વિકસાવી છે. સ્થળ પર ઊભા રહીને ગૂગલ
મેપના આધારે કયા સર્વે નંબર છે તે તુરંત સામે આવી જાય અને આ સર્વે નંબર કોના છે એ પણ
ખબર પડી જાય છે. જી.પી.એસ. મારફતે ખબર પડી જાય કે આ પેશકદમી છે, તો દબાણકારો સામે કાર્યવાહી કરવાની પ્રાંત અધિકારીઓને સત્તા આપવામાં આવી હોવાનું
કલેક્ટરે કહ્યું હતું. - કોઇની શરમ
નહીં : કોઇપણ જમીન ઉપર ગેરકાયદે કબજો થયો હોય અને
ફરિયાદ આવે અથવા ખબર પડે કે અહીં સરકારી જમીન છે તો તેના આધારે દબાણકારો સામે તુરંત કાર્યવાહી કરવી અને કોઇપણ દબાણકાર હોય તેની
શરમ રાખ્યા વગર કહ્યું કે, પાકું બાંધકામ
તોડી પાડવાની સૂચના આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, સરકારી જમીન પર દબાણ દૂર કરવું હોય અને કલેક્ટરનાં ધ્યાને
આવે કે અહીં ગેરકાયદે કબજો છે તો હવે સુઓમોટો હેઠળ નોટિસ આપી કાર્યવાહી કરવા કલેક્ટરને
સત્તા છે અને કચ્છમાં આ પ્રકારે પહેલી વખત કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવીને કહ્યું
કે, એક વખત દબણ હટી જાય અને ત્યાં જો ફરીથી કબજો કરવાની કોશિશ
થાય તો પ્રાંત અધિકારીએ જાતે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ દાખલ કરવી પડશે તેવું બેઠકમાં
નક્કી થયું હતું. - 370 ફરિયાદ : કલેક્ટર કચેરીમાંથી મળેલી વિગતો પ્રમાણે કચ્છમાં જ્યારથી દબાણ
હટાવ ઝુંબેશ વ્યાપક બની છે ત્યારથી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો પણ વધતી જાય છે. જાગૃત
નાગરિકો સામેથી આવી રહ્યા છે ને લેન્ડ ગ્રેબિંગ કરવા જણાવે છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર
26 સુધીમાં 370 ફરિયાદો લેન્ડ ગ્રેબિંગ હેઠળ
કરવામાં આવી છે. તેમાંય સૌથી વધારે જૂન મહિનામાં 76 લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો કરવામાં આવી છે તેવી વિગતો મળી હતી.