ભુજ, તા. 27 : એલસીબીની સાયબર ક્રાઇમ સેલ
દ્વારા મ્યુલ એકાઉન્ટની છાનબીનમાં નખત્રાણાની બેંક ઓફ બરોડાની શાખાના એક ખાતાંમાં ઓનલાઇન
છેતરપિંડીના રૂા. 19,16,630ની
લેવડ-દેવડ સામે આવતાં ખાતાધારક નખત્રાણાના પત્રકાર એવા નવુભા સવાઇસિંહ સોઢા સામે ગુનો
દાખલ થયો છે. આ ખાતામાં બે વર્ષમાં જ 41.74 કરોડ જમા થયાનું સામે આવ્યું છે. આજે નખત્રાણા પોલીસ મથકે સાયબર
ક્રાઇમ સેલ (એલસીબી) દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ ગુજરાત સરકાર દ્વારા મ્યુલ હન્ટનાં
નામે ચાલતા ઓપરેશનની છાનબીન દરમ્યાન સમન્વય પોર્ટલ પરથી શંકાસ્પદ એકાઉન્ટની તપાસમાં
બેંક ઓફ બરોડા નખત્રાણાના એક ખાતામાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા ત્રણ લોકો પાસેથી આ ખાતામાં
રૂા. 19,16,630નો શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયાનું
સામે આવ્યું છે. બિહારથી તા. 29/7/25ના
રૂા. 15 લાખ, ગુજરાતમાંથી તા. 13/9/25ના રૂા. 2,06,765 અને તા. 16/9/25ના રૂા. 2,09,865 ફ્રોડના નાણા આવ્યાં હતાં.
આ ફ્રોડનાં નાણાં જે ખાતામાં આવ્યાં હતાં તે પ્રોપરાઇટર તરીકે નવુભા સવાઇસિંહ સોઢા
(રહે. નખત્રાણા)નું નામ સામે આવતાં આ બેંક ખાતાની છાનબીન કરાતાં આ ખાતું તા. 12/3/24ના ખુલ્યું હતું. આ ખાતામાં
23/4/26 સુધી રૂા. 41,74,60,350 જેટલી માતબર રકમ જમા થઇ છે.
પોલીસે વિવિધ કલમ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે. અત્રે નોંધનીય છે કે, અગાઉ પણ આવા જ ફ્રોડ ખાતાં સંબંધે આરોપી નવુભા
સામે નખત્રાણા પોલીસ કાર્યવાહી કરી ચૂકી છે. હવે જ્યારે 41 કરોડ જેટલી માતબર રકમ જમા થયાનું
પણ ખુલ્યું છે ત્યારે અન્ય આવી ગેરકાયદે લેવડ-દેવડ સામે આવવાની સંભાવના જોવાઇ રહી છે.