• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

લોરિયા સીમમાં ધડાકા : શિકાર અંગે પૂછતાં વનરક્ષક-ચોકીદારને માર મરાયો

ભુજ, તા. 27 : થોડા દિવસ પહેલાં લોરિયાની સીમમાં રાતે બંદૂકના ભડાકા જેવા અવાજ સંભળાતાં વનરક્ષક અને ચોકીદાર તે દિશા તરફ જતાં અને બે શખ્સ મળતાં તેને શિકાર અંગે પૂછતાછ કરતાં ઉશ્કેરાઇ ઝઘડો કરી ઝપાઝપી સાથે માર મારી ફરજમાં રૂકાવટ કરી હતી. આ જ બનાવ અંગે સામા પક્ષે પણ માર માર્યા અંગે પ્રતિફરિયાદ નોંધાવી છે. 23/8ના રાતે અગિયાર વાગ્યે લોરિયા સીમમાં આ બનાવ અંગે ગઇકાલે માધાપર પોલીસ મથકે બે ફરિયાદ નોંધાઇ હતી, જેમાં નોખાણિયા બીટના વનરક્ષક મહિપાલસિંહ ભીખુભા વાઢેરે નોંધાવેલી ફરિયાદ મુજબ 22/8ના તેમને લોરિયા સીમમાં રાતે શિકાર પ્રવૃત્તિ થતી હોવાની જાણ થતાં બીજા દિવસે રાતે તે તથા ચોકીદાર અજુભા રાવતાજી જાડેજા લોરિયા સીમમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓ વનરક્ષક-ચોકીદારને માર મરાયો સાથે જ વન વિભાગમાં કામ કરતા યુવરાજસિંહ જાડેજા (વનરક્ષક-ગઢશીશા) અને નગજી સોઢા (વનરક્ષક-કારાઘોઘા) રજામાં હોઇ ફરિયાદીને ત્યાં મળવા આવ્યા હતા. રાતે પોણા અગિયાર વાગ્યા દરમિયાન લોરિયા સીમમાં બંદૂકના ભડાકા જેવા અવાજ સંભળાતાં ઉચ્ચ અધિકારીને જાણ કરી તેઓ તે દિશા તરફ જતાં રસ્તામાં બાઇક પર સવાર બે શખ્સ મળતાં તેઓ નામ પૂછતાં ફરીદ હાજી મેર તથા ઇબ્રાહિમ અધાભા નાગિયા (રહે. બંને હનુમાનનગર, લોરિયા) હોવાનું જણાવ્યું હતું. બંનેને બંદૂકના ભડાકાઓ તથા વન્ય પ્રાણીઓના શિકાર અંગે આવ્યા હતા કે કેમ તે બાબતે પૂછતાં એકદમ ઉશ્કેરાઇ જઇ જેમ-તેમ બોલી, ધમકી આપી હતી. શિકાર બાબતે પૂછો છો, અમારી પાસે કોઇ બંદૂક નથી, કહી ઝપાઝપી કરી ફરિયાદી તથા સાહેદ ચોકીદાર અજુભાને માર માર્યો હતો અને ફરિયાદીની ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવી છે. બીજીતરફ આ જ બનાવને લઇને ઇબ્રાહિમ અધાભા નાગિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તે તથા સાહેદ ફરીન મેર શિકાર કરવા નીકળ્યાનો શક-વહેમ રાખી આરોપી મહિપાલસિંહે સાહેદ ફરીદને ઊંધી કૂહાડી મારી તથા આરોપી અજુભાએ ધોકા વડે માર માર્યો હતો અને બંને જવા માટે નીકળ્યા ત્યારે બીજા ત્રણ અજાણ્યા ઇસમો આવીને બંનેને હાથો-લાતો વડે માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને ફરિયાદો વિવિધ કલમો તળે દાખલ કરી છાનબીન આદરી છે.

Panchang

dd