ભાર્ગવ પરીખ દ્વારા : અમદાવાદ, તા. 27 : મહારાષ્ટ્ર પોલીસના હાથે એકવાર
પકડાયા પછી નકલી દવા બનાવનારા લોકોએ ગુજરાતને ટાર્ગેટ કર્યું હતું. ભુજના આરટીઓ સર્કલ
પાસે આવેલી એક દવાની દુકાનમાંથી નકલી દવાના મળી આવેલા મોટા સ્ટોક બાદ એનું પગેરું અમદાવાદથી
ઉત્તરપ્રદેશ પહોંચતાં ક્રાઇમ બ્રાન્ચે ત્રણ લોકોની ધરપકડ કરી છે. ગુજરાતમાં મોટા પાયે
બ્લડપ્રેશરની નકલી દવાઓ આવી હોવાની માહિતીના આધારે નડિયાદ અને ભુજમાં મોટા દરોડા પાડવામાં
આવ્યા હતા, જેમાં નડિયાદમાંથી ઓછી
માત્રામાં દવા મળી હતી, જ્યારે ભુજમાં નવકાર મેડિકલ એજન્સીમાંથી
અને મહાદેવ મેડિકલ એજન્સીમાંથી મોટાપાયે નકલી દવાનો જથ્થો મળ્યો હતો. આ નકલી દવાઓ વેચી
રહેલા ભુજના વેપારીની કડક પૂછપરછ કરતાં એણે પહેલાં કબૂલ્યુ કે, આ દવા જયપુરથી મગાવી હતી, એના ફોન અને ડિલિવરી ચલણની
ઊંડાણપૂર્વક તપાસ કરતાં નકલી દવાઓ ઉત્તરપ્રદેશથી જયપુર થઇ અમદાવાદ મેડિકલ એજન્સી ધરાવતા
દર્શિલ સંઘવી પાસેથી આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દર્શિલની વાસણાના એનાં ઘરેથી
ધરપકડ તપાસ કરતાં એ ઉત્તરપ્રદેશના દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગી પાસેથી મગાવી આખાય
ગુજરાતમાં વેચતો હતો. ક્રાઇમ બ્રાન્ચે ઉત્તરપ્રદેશના બંને નકલી દવાના વેપારીઓને પકડયા
છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજિયાને જન્મભૂમિપત્રો સાથેની વાતચીતમાં
કહ્યું કે, 22 ઓગસ્ટે નકલી
બલ્ડપ્રેશરની દવાઓ નડિયાદ અને ભુજથી પકડાઈ, ત્યારબાદ અમે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ઉત્તરપ્રદેશથી
નકલી દવા વેચી લાખો રૂપિયા કમાનાર ઉમંગ રસ્તોગી અને દેવેન્દ્ર યાદવને જૂન મહિનામાં
પુણે પોલીસે પકડયા હતા. ત્યારબાદ એમને પોતાનો કારોબાર ગુજરાતમાં જમાવવા માટે દર્શિલ
સાથે વેપાર શરૂ કર્યો હતો. દર્શિલે ભુજના એના પરિચિત સ્ટોકિસ્ટને મોટાપાયે નકલી દવાનો
જથ્થો મોકલ્યો હતો, એ દવા ભુજથી કચ્છનાં ગામડાંઓમાં પહોંચાડવાનો
હતો, પણ એ પહેલાં અમે ભુજના મેડિકલ એજન્સીના વેપારીના ફોન નંબરોનું
ટેકનિકલ એનાલિસિસ, દવાના સ્ટોકનાં ખરીદ વેચાણમાં રહેલાં કેટલાક
છીંડા અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઝડપી લીધો છે.