• બુધવાર, 10 જૂન, 2026

અબડાસામાં રાત્રિના અંધકારમાં બેફામ ખનિજચોરી

નલિયા, તા 9 : જિલ્લા કલેકટરની સૂચના મુજબ મહેસૂલ વિભાગ દ્વારા રસ્તાઓ પરથી પસાર થતી ઓવરલોડ ખનિજ વહન કરતી ગાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે, આ કાર્યવાહી દિવસ દરમિયાન માત્ર નામપૂરતી જ હોવાનું જણાઈ રહ્યું છે. બીજી તરફ, અબડાસા તાલુકાના અનેક ગામોમાં રાત્રિના અંધારામાં મોટાપાયે ખનિજચોરીનો સિલસિલો યથાવત્ હોવાની સ્થિતિ સામે આવી રહી છે. મિયાણી, રાયધણજર, ખીરસરા, દબાણ, વમોટી, નાન્દ્રા અને સણોસરા જેવા ગામોના સીમાડામાં રાત્રિ દરમિયાન હિટાચી અને લોડરો ધમધમી રહ્યાં છે અને બેન્ટોનાઈટ જેવી ખનિજની મોટાપાયે ચોરી થઈ રહી છે. કુખ્યાત ખનિજચોરો દ્વારા બેફામ ચોરીઓ થઈ રહી હોવાથી ખનિજચોરીમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રેતીચોરી પણ અનેક ગામોની નદીઓમાંથી થઈ રહી છે. કોઠારાની નાયરો નદી હોય કે વાંકુની નદી હોય, તેમાંથી રાત્રિ દરમિયાન રેતીની ચોરી થઈ રહી છે અને ટ્રકો ભરીને લઈ જવાય છે. માન્ય લીઝોની આરપાર તેની સાઈડોમાંથી દૂરથી જ ખનિજચોરો દ્વારા રાત્રિના સમયે ચોરી કરવામાં આવી રહી છે. કપચી અને પથ્થરની પણ બાંડિયા સાઈડથી ઓવરલોડ ગાડીઓનો ધમધમાટ વધ્યો છે. અબડાસા તાલુકામાં ઓવરલોડ વહન સાથે ખનિજચોરી પણ બેફામ બની છે. ત્યારે આને ડામવા માટે પગલાં ભરવામાં આવે અને જિલ્લા કલેકટરે જે તંત્રને આદેશ આપ્યા છે તે ખરા અર્થમાં આવા ખનિજચોરો ઉપર તવાઈ લાવે તો જ ખનિજચોરી અને સરકારના ચોપડે કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડતા લોકો પર આકરો દંડ કરી કાર્યવાહી કરવામાં આવે તો જ ખનિજચોરી ઉપર કાબૂ આવશે અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનું બંધ થશે. અબડાસામાં બે વર્ષ અગાઉ ખનિજચોરો પર મોટી કાર્યવાહી કરનાર અને સતત ખનિજચોરોને પરસેવો છોડાવનાર પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડની રાતોરાત બદલી થઈ હતી. તેમના કાર્યકાળમાં ખનિજચોરો ભૂગર્ભમાં ઊતરી ગયા હતા અને મોટી ખનિજચોરીઓ પકડાઈ હતી. ત્યારે અબડાસામાં ફરી આવા ખનિજચોરો સક્રિય થયા છે તેને ડામવા આવા અધિકારીને મૂકવામાં આવે તેવી માંગ અબડાસા તાલુકામાંથી ઊઠી રહી છે. 

Panchang

dd