• બુધવાર, 10 જૂન, 2026

સબૂર પાક : ભારતે 12 અણુશસ્ત્ર તૈનાત કર્યાં

નવી દિલ્હી, તા. 9 : વૈશ્વિક શસ્ત્ર દેખરેખ સંસ્થા (એસઆઇપીઆરઆઇ)ના તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતે ઓછામાં ઓછા 12 પરમાણુ શસ્ત્ર ઓપરેશનલ તૈયારીમાં તૈનાત કર્યાં છે. એટલે કેટલાક પરમાણુ શસ્ત્રો હંમેશાં ભારતીય યુદ્ધજહાજો, સબમરીન અથવા અન્ય લશ્કરી પ્લેટફોર્મ પર ઉપયોગ માટે તૈયાર રાખવામાં આવે છે. અહેવાલ અનુસાર ચીન અને પાકિસ્તાન તરફથી સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ભારતે આ પગલું ભર્યું છે. જો કોઈ દેશ ભારત સામે પરમાણુ હુમલો કરવાનો પ્રયાસ કરે છે, તો ભારત તાત્કાલિક પરમાણુ વળતો હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. આ દાવો ભારતની અગાઉની પરમાણુ પ્રણાલિથી અલગ હોવાનું કહેવાય છે. એસઆઇપીઆરઆઇના રિપોર્ટ મુજબ ભારતે તેની પરમાણુ તૈયારીઓમાં મોટો ફેરફાર કર્યો છે, જેમાં ઓછામાં ઓછા 12 પરમાણુ હથિયાર તૈનાત કરવામાં આવ્યાં છે. અગાઉ, ભારત તેના પરમાણુ હથિયારો અને તેમની ડિલિવરી સિસ્ટમ્સ, જેમ કે મિસાઇલો, અલગથી સંગ્રહિત કરતું હોવાનું માનવામાં આવતું હતું. જો કે, આ વખતે રિપોર્ટમાં જણાવાયું છે કે, ભારતે કેટલાક પરમાણુ હથિયારોને તેમની ડિલિવરી સિસ્ટમ્સ સાથે એકીકૃત કર્યા છે અથવા તેમને લશ્કરી મથકો પર મૂક્યા છે, જ્યાં તેઓ તાત્કાલિક ઉપયોગ માટે તૈયાર છે. આ પહેલીવાર છે, જ્યારે એસઆઇપીઆરઆઇના રિપોર્ટમાં ભારતના પરમાણુ શસ્ત્રોને ઓપરેશનલ ડિપ્લોયમેન્ટ સ્ટેટસમાં હોવાનું વર્ણવવામાં આવ્યું છે. અગાઉના અહેવાલોમાં ભારતના પરમાણુ શસ્ત્રોને ફક્ત ભંડાર તરીકે વર્ણવવામાં આવ્યા હતા. રિપોર્ટમાં જણાવાયું છે કે, જાન્યુઆરી-2026 સુધીમાં ભારત પાસે કુલ 190 પરમાણુ હથિયાર હશે. આમાંથી 12 પરમાણુ હથિયાર મિસાઇલો, સબમરીન અથવા ફાઇટર એરક્રાફ્ટ જેવી ડિલિવરી સિસ્ટમ્સ સાથે જોડાયેલા છે અથવા ઓપરેશનલ ફોર્સ બેઝ પર તૈનાત છે. 

Panchang

dd