રાવલકોટ, તા. 9 : પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર
(પીઓકે)ના રાવલકોટ વિસ્તારમાં પાકિસ્તાની સુરક્ષા દળોએ શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર
અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં
30થી વધુ લોકોનાં મોત થયાં છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ
સાંપડી રહ્યા છે. આ મામલે ભારતે પાકિસ્તાનને ફટકાર લગાવતાં જણાવ્યું હતું કે, આ પાકિસ્તાન દ્વારા નિષ્ફળતાઓ છુપાવવા અને માનવાધિકાર
ઉલ્લંઘનોથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. એક મીડિયા હેવાલ મુજબ, પીઓકેમાં બર્બરતાના અહેવાલોના પગલે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર
જયસ્વાલે જણાવ્યું હતું કે, પાકિસ્તાન માનવાધિકારોનું ઉલ્લંઘન
કરી રહ્યું છે. પીઓકેમાં ગંભીર પોલીસ બર્બરતાના પરિણામે ઘણા લોકો મૃત્યુ પામ્યા છે
અને ઘાયલ થયા છે. આ પાકિસ્તાન દ્વારા પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને માનવાધિકાર ઉલ્લંઘનોથી
ધ્યાન હટાવવાનો પ્રયાસ છે તેમ જણાવ્યું હતું. આર્થિક અને રાજકીય ફરિયાદો પર પીઓકેમાં
વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કરનારા એક મુખ્ય નાગરિક સમાજ ગઠબંધન, યુનાઇટેડ અવામી એક્શન કમિટી (જેએએસી) પર પાકિસ્તાને પ્રતિબંધ મૂક્યા બાદ અથડામણ
શરૂ થઈ હતી. દરમિયાન અંધાધૂધ કરાયેલા ગોળબારમાં 30થી વધુ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 200થી વધુ ઘાયલ થયા હતા. જમ્મુ
અને કાશ્મીર યુનાઇટેડ આવામી એક્શન કમિટી સાથે જોડાયેલા કાર્યકરો સામે અધિકારીઓએ કાર્યવાહી
શરૂ કર્યા પછી વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા હતા. પીઓકેમાં પ્રસ્તાવિત `લોંગ માર્ચ' પહેલાં પાકિસ્તાને અનેક સુરક્ષા પગલાં અમલમાં
મૂક્યા છે. આંદોલન સાથે સંકળાયેલા નેતાઓનો આરોપ છે કે, 5 જૂનની રાતથી સમગ્ર પીઓકેમાં ઇન્ટરનેટ સેવાઓ
બંધ કરી દેવાઈ છે, જેના કારણે
સંદેશાવ્યવહાર ગંભીર રીતે ખોરવાઈ ગયો છે. અહેવાલો અનુસાર, વિરોધ
પ્રદર્શન હવે રાવલકોટ પૂરતું મર્યાદિત નથી. મુઝફ્ફરાબાદ, મીરપુર,
ટાટા પાણી અને પ્લાંડ્રી સહિત અનેક વિસ્તારોમાં દેખાવો અને બંધનું એલાન
આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આ પ્રદર્શન માત્ર પીઓકે પૂરતા
સીમિત નથી રહ્યા, પરંતુ વિદેશમાં રહેતા કાશ્મીરી સમુદાયે પણ પીઓકેમાં
બગડતી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. અહેવાલો અનુસાર, યુનાઇટેડ
કિંગડમમાં એકતા પ્રદર્શનો યોજવામાં આવ્યા છે, જ્યારે યુએસ અને
ઓસ્ટ્રેલિયાએ વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર આ ક્ષેત્રમાં માનવ અધિકારોની સ્થિતિનો મુદ્દો
ઉઠાવ્યો છે.