• બુધવાર, 10 જૂન, 2026

વિપક્ષી મોરચાનું દિલ્હી મંથન; ટકાઉ એકતાનો પડકાર

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 12 વર્ષ પૂરાં થયાં એ પૂર્વે જ વિરોધપક્ષોનાં `ઇન્ડિ' ગઠબંધનની નવી દિલ્હી ખાતે મળેલી બેઠક સૂચવે છે કે, વિપક્ષી મોરચો પોતાનું અસ્તિત્વ ટકાવવા ગંભીર છે. આ બેઠક એવા સમયે મળી, જ્યારે કોંગ્રેસ જનતા પાર્ટી (સીજેપી)એ નવી દિલ્હીમાં યુવાઓની રેલી યોજીને `નીટ' પરીક્ષા પ્રશ્નપત્ર ફૂટી ગયાં એ મુદ્દે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગ્યું. આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલે સીજેપીને સમર્થન જાહેર કર્યું છે, પરંતુ બીજા વિરોધપક્ષો હજુ અંતર બનાવી બેઠા છે. મોદી સરકાર સામે મોરચો મંડાય એ વિપક્ષી છાવણી માટે તો ગૂડ ન્યૂઝ જ છે, પણ આટલું પૂરતું નથી. કોંગ્રેસ પાર્ટી વિદેશી યુવાઓના હાથમાં છે, કોણ સશક્ત થશે એ કહેવું મુશ્કેલ, આવનારી ચૂંટણીઓમાં સારું પરિણામ મેળવવું હશે કે મોદી સરકારના લોખંડી ગઢના કાંગરા ખેરવવા હશે તો વિરોધપક્ષોએ સંગઠિતપણે જબરજસ્ત પ્રયાસ કરવો જરૂરી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ પણ બે કલાકનાં મંથન બાદ દેશના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગ્યું છે. આ બેઠકમાં સોનિયા ગાંધી, અખિલેશ યાદવ, મમતા બેનર્જી અને સુપ્રિયા સૂલે પણ હાજર હતા. વિપક્ષો વચ્ચે પાંચ મુદ્દા પર સહમતી રચાઇ છે. એસઆઇઆર મુદ્દે સીજેઆઇને પત્ર લખવાનું બેઠકમાં નક્કી થયું છે. આગામી મહિનાઓમાં ઉત્તરપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં આવનાર વિધાનસભા ચૂંટણી નજરે આ બેઠક ભારે મહત્ત્વ ધરાવે છે. બેઠકનો હકારાત્મક સંદેશ એ છે કે, પ્રાદેશિક અને વૈચારિક મતભેદો છતાં 25 જેટલાં દળો સરકારને પાયાના મુદ્દે ભીંસમાં લેવા માટે પ્રતિબદ્ધ છે. બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો, સામાજિક સૌહાર્દ જેવા વિષયો પર એકસમાન દૃષ્ટિકોણ ઊભો કરવાના પ્રયાસ દ્વારા ઇન્ડિ જોડાણે સંકેત આપ્યો છે કે, તેઓ માત્ર `મોદીવિરોધી'ને બદલે પ્રજાને કનડતી સમસ્યાઓ ઉઠાવીને પોતાનો જનાધાર વિસ્તારવા પ્રયત્ન કરશે. `ઇન્ડિ' જોડાણની બેઠકમાં પાંચ મુદ્દા પર સંમતિ થઇ છે. આ બેઠકમાં મમતા બેનર્જી હાજર હતાં, પણ તેમની `શક્તિ' ઓસરી ચૂકી છે. એક સમયે કોંગ્રેસને જરાય ન ગણકારતાં મમતા હવે દિલ્હીમાં રાજનીતિ કરવાનો ઇરાદો ધરાવે છે. બેઠકમાં ડીએમકે અને આમ આદમી પાર્ટી સામેલ નહોતા થયા. મલ્લિકાર્જુન ખડગેના જણાવ્યા અનુસાર એક મહિના બાદ ફરી બેઠક મળશે, એટલું જ નહીં, સંસદનાં ચોમાસું સત્રમાં  વિરોધપક્ષોએ તાલમેલ જાળવીને કામ કરવાનું નક્કી કર્યું છે. ભાજપે `ઇન્ડિ' બેઠકની એમ કહેતાં આલોચના કરી છે કે, વિરોધપક્ષો ખુદ પોતાના અસ્તિત્વની લડાઇ લડી રહ્યા છે. આગળ જતાં સંગઠનની એક્તા પડકારરૂપ બની છે, કેમ કે, શાસક છાવણીને સામે છેડે બેઠેલા આ બધા પક્ષો કે નેતાઓ પ્રાદેશિક વિચાર વિરોધ ધરાવે છે, ક્યાંક તો સીધી ટકરાવની સ્થિતિમાં છે. તામિલનાડુમાં કોંગ્રેસ મુખ્યમંત્રી વિજયના પક્ષ ટીવીકેને સમર્થન આપતાં ડીએમકેના નેતા સ્ટાલીન નારાજ છે. કોંગ્રેસે તો એમ પણ કહ્યું છે કે, ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણી પણ ટીવીકે સાથે મળીને લડશે. આમ તામિલનાડુની રાજનીતિમાં કોંગ્રેસ અને ટીવીકેના યુતિને લીધે ડીએમકેએ `ઇન્ડિ' ગઠબંધનમાં સામેલ થવાની નામરજી દર્શાવી છે. આવતાં વર્ષે ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવની નજર તેના ઉપર છે. અત્યારે ઐક્યની ચર્ચા કરતા આ નેતાઓ ચૂંટણી સમયે બેઠક વહેંચણી વખતે ભાઇચારો ભૂલી જતા હોય છે. ટૂંકમાં `ઇન્ડિ' જોડાણની અંદર અને બહાર તાલમેલ જાળવવાનો પડકાર રહેશે. પશ્ચિમ બંગાળ, પંજાબ, ઉત્તરપ્રદેશ જેવાં રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોની પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષા છે. વળી ગઠબંધનનું નેતૃત્વ કે તેનો ચહેરો કોણ એ પણ તકરારનો વિષય બની શકે. બેઠકમાં વિપક્ષી નેતાઓ ઉમળકાથી હાથ મિલાવે એનો  અર્થ એ નથી કે તેમનાં દિલ પણ મળી ગયાં છે. મોદી સરકારનો મુકાબલો કરવા માટે નક્કર સંગઠનાત્મક તાલમેલ ખૂબ જરૂરી છે. 

Panchang

dd