અંજાર, તા. 9 : શહેરના વોર્ડ નંબર એકના મતિયાનગર, મફતનગર, સથવારાવાસમાં
વરસાદનાં કારણે સ્થાનિક લોકોનાં ઘરમાં વ્યાપક પાણીનો ભરાવો થાય છે. આ સમસ્યા નિવારવા ચોમાસાં પહેલાં ત્વરિત કાર્યવાહી
કરવા માંગ કરાઈ છે તેમજ અઢી દાયકાથી જર્જરિત અંાગણવાડીનું કામ શરૂ ન કરાતાં બાળકોને
ભારે હાલાકી ભોગવવી પડતી હોવા સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાઈ છે. વરસાદમાં
આ વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણીનો ભરાવો થાય છે. ગટરોનાં પાણીના નિકાલ માટે યોગ્ય કામગીરી
થતી ન હોવાથી બાળકો, સ્કૂલ તથા મંદિરે અવર જવરના રસ્તા ઉપર ગટરનાં
પાણી ભરાઈ જાય છે, જેનાં કારણે સ્થાનિકોને ખૂબ મુશ્કેલી ભોગવવી
પડી રહી છે. આગામી ચોમાસાં પહેલાં આ વિસ્તારમાં વરસાદી તથા ગટરનાં પાણીના નિકાલ માટે કાયમી અને પૂરતી વ્યવસ્થા
કરાય તે સમયની માંગ છે. મતિયાનગર વિસ્તાર જર્જરિત
માર્ગોના કારણે સ્થાનિક લોકોને અવર-જવર કરવામાં
ભારે હાલાકી થાય છે. રોડનું કામ પણ સત્વરે
કરાવવા અંજાર શહેર કોંગ્રેસના પ્રમુખ યુવરાજસિંહ જાડેજા દ્વારા લેખિત રજૂઆત સુધરાઈ સમક્ષ કરાઈ છે. મતિયાનગરમાં ભૂકંપ બાદ બનેલી આંગણવાડી જર્જરિત બની
છે. આ આંગણવાડીમાં બાળકો બેસી શકે તેવી સ્થિતિ નથી. આ બાબતે અનેક રજૂઆતો બાદ નવી આંગણવાડી
બનાવવાનું કામ અંજાર સુધરાઇ દ્વારા મંજૂર થઇ ગયેલું છે, તેને
પણ અંદાજે ત્રણ વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા
છતાં કામ શરૂ કરાયું નથી, જેનાં કારણે આ વિસ્તારમાં રહેવાસીઓ
તથા બાળકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડી રહી છે. આ દિશામાં ત્વરિત કાર્યવાહી કરવા અંજાર શહેર કોંગ્રેસ અનુ.જાતિ મોરચાના પ્રમુખ ભરતભાઈ
માતંગ દ્વારા રજૂઆત કરાઈ છે.