• બુધવાર, 10 જૂન, 2026

મોદી સરકારમાં કચ્છનો ચતુષ્કોણિય વિકાસ

ભુજ, તા. 9 : વર્તમાન નરેન્દ્રભાઈ મોદીનું બાર વર્ષનું શાસન કચ્છ માટે વિકાસનું પર્વ બની રહ્યું છે. આ સમયમાં કચ્છનો પ્રવાસન, ખેતી, ઉદ્યોગ અને ડેરી એમ ચતુષ્કોણિય વિકાસ થયો છે જે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં નથી થયો. આજે ભુજ ખાતે કેન્દ્ર સરકારની બાર વર્ષની ઉપલબ્ધીઓ અને કચ્છ સંગ્રહાલયના વિકાસ સંદર્ભે નિમંત્રિત બૌદ્ધિકો સાથેની સંગોષ્ઠીને સંબોધતા કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સરકારના બાર વર્ષના કાર્યોની પ્રસંશા કરતા આ મુજબ જણાવ્યું હતું. કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, આર.એસ.એસ. જિલ્લા સદભાવના પ્રમુખ હેતભાઈ જોષી, તકનીકી સહાયક જયપાલાસિંહ જાડેજા સહિત વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો, શિક્ષણવિદો, સમાજસેવકો, સાંસ્કૃતિક કાર્યકરો અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વિચાર-ગોષ્ઠીને સંબોધતા સાંસદે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના યશસ્વી નેતૃત્વમાં કચ્છે વૈશ્વિક સ્તરે આગવી ઓળખ પ્રાપ્ત કરી છે. ધોળાવીરાને વિશ્વ ધરોહર સ્થળનો દરજ્જો મળવો, સ્મૃતિવનનું નિર્માણ, ખાવડા ગ્રીન એનર્જી પાર્ક અને વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ તેના ઉત્તમ ઉદાહરણો છે. તેમણે ભુજના ભાવિ વિકાસ અંગે મહત્વપૂર્ણ માહિતી આપતાં જણાવ્યું હતું કે ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માટે જરૂરી પ્રક્રિયાઓ હવે ગતિમાન બની છે.  સ્વચ્છતા અંગે વિશેષ ભાર મૂકતાં તેમણે આગામી એક મહિના માટે `સ્વચ્છ ભુજ અભિયાન' શરૂ કરવાની અપીલ કરી હતી. આ અભિયાન અંતર્ગત શાળાઓ, કોલેજો, વેપારીઓ, લારી-ગલ્લાવાળા અને સામાન્ય નાગરિકોને જોડવા સાથે જાહેર સ્થળોએ કચરો ફેંકનારાઓ સામે નગરપાલિકા દ્વારા કડક દંડાત્મક કાર્યવાહી કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.  ભુજ નગરપાલિકાના અધ્યક્ષ શીતલભાઈ તથા કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવીએ શહેરના સાંસ્કૃતિક વારસાના જનત માટે પાલિકા તંત્રના સહયોગની ખાત્રી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત યુવા અધિકારી દેવાંશી ગઢવી, અર્પિત શર્મા, બાળરોગ નિષ્ણાત ડો.નેહલ વૈદ્ય, ઈતિહાસ સંશોધક  લેખક નરેશ અંતાણી, સંજય ઠાકર, પુરાતત્વ અધિક્ષક આદિત્યસિંહકચ્છ યુનિ.ના ડીન કાશ્મીરા મહેતા, ચિત્રકાર નવીન સોની, પ્રકાશ જજોશી, ધારાશાત્રી ધવલ પાઠક, પ્રભુભાઈ આહીરસહિતનાએ મ્યુઝિયમનું આધુનિકીકરણ, ડિઝીટલાઈઝેશન, ભુજના સ્મારકોને સાંકળતી હેરીટેજ સર્કિટ, ફતેહમામદ ખોરડા-ઓફ્રેડ ભવનનું જતન, હેરીટેજ વોક, વ્યાખ્યાન માળા, સેમિનાર, ચિત્ર ગેલેરીનું નિર્માણ કરવરા સહિતના સંગ્રહાલય અને ભુજ શહેરના પુરાતત્વીય સ્મારકોના જતન સંવર્ધન માટે પોતાના વિવિધ સૂચનો રજુ કર્યા હતા.સંગ્રહાલયના ક્યુરેટર ડો.મહેન્દ્રસિંહ સુરેલાએ આવકાર આપતાં સંગ્રહાલયના સંગ્રહની વિગતો આપી સંગ્રહાલયના વિકાસ માટે સૌના સહયોગની અપેક્ષા વ્યકત કરી હતી. આયોજન અનઋઁ સંકલનમાં એમ.આઈ. બાયડનો સહયોગ મળ્યો હતો.  સંચાલન આભાર વિધિ ભારદ્વાજ પુરોહિતે કર્યું હતું. સંગ્રહાલયના કર્મચારીઓએ વ્યવસ્થા સંભાળી હતી. 

Panchang

dd