માતાના મઢ (તા. લખપત), તા. 9 : લખપત તાલુકાના
પેટાળમાં ધરબાયેલા કિંમતી ખનિજોની ચોરી થતી હોવાની ફરિયાદો અવાર-નવાર સામે આવતી હોય
છે. તે વચ્ચે સાયણ ગામના સીમાડામાં પવનચક્કીના પાયા (ફાઉન્ડેશન)નાં કામમાં બાજુમાંથી
જ મેટલની ચોરી કરી તેમાં વપરાઇ રહ્યાના આક્ષેપ ઊઠયા છે. આ સ્થળ ઉપર વિન્ડના પાયાનું
કામ ચાલી રહ્યું હતું. તેની તદ્દન નજીક અંદાજે 200 મીટર દૂર એક ટેકરામાંથી બે જેસીબી મશીન દ્વારા મેટલના ડમ્પર
ભરી વિન્ડના ફાઉન્ડેશનનું કામ પાસે ઠલાવવામાં આવી રહ્યું હતું. આ વિશે ખાણ-ખનિજ વિભાગના
અધિકારી મેહુલભાઇ શાહને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, વિન્ડ કંપનીને મેટલનો ઉપયોગ કરવાની કોઇ મંજૂરી
અપાઈ નથી. શ્રી શાહે આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરશે તેવું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય
છે કે, લખપત તાલુકામાં વિવિધ વિન્ડ કંપની દ્વારા સેંકડોની સંખ્યામાં
પવનચક્કી લગાવવામાં આવી છે. આ વિન્ડ ઉપર જતાં રોડ-રસ્તા તથા તે પવનચક્કીના ફાઉન્ડેશનમાં
જે મેટલ સહિતનું મટીરિયલ વપરાયું છે, તેની નરી આંખે ખાણ-ખનિજ
વિભાગ તપાસ કરે તો ખૂબ જ મોટાં પ્રમાણમાં ખનિજચોરી સામે આવે તેવું આ વિસ્તારના અનેક
લોકો જણાવી રહ્યા છે.