ભુજ, તા. 9 : શહેરમાં નગરપાલિકા દ્વારા ભુજહાટથી
કરી લેવા પટેલ હોસ્પિટલ સુધીના માર્ગે તમામ સરકારી કચેરીઓ આગળ ખડકાયેલાં લારી-ગલ્લારૂપી
દબાણો પર ધોંસ બોલાવી દૂર કરાયાં હતાં. છેલ્લા ત્રણેક દિવસથી ચાલતી આ કાર્યવાહી અંતર્ગત
અત્યાર સુધી 17 લારી જપ્ત કરાઇ હતી તેમજ 45થી 50ને નોટિસ અપાઇ હતી તેમજ ખુરશી, કાઉન્ટર, ગેસચૂલા સહિત
જપ્ત કરાયા હતા. છેલ્લાં કેટલાંક વર્ષોથી ભુજમાં દબાણકારો માટે લાલ જાજમ પથરાતી હોય
તેમ તંત્રની આંખ આડા કાન કરવાની નીતિને પગલે શેરી, જાહેર ચોક
તો ઠીક પણ મુખ્ય માર્ગો અને ફૂટપાથો સુદ્ધાં દબાણકારોની ચપેટમાં આવી ગયા છે. લાખો-કરોડોની
કિંમતની જ્યાં દુકાનો આવેલી છે તેવા પોશ વિસ્તાર અને જાહેર માર્ગો પર નજીવા સફાઇચાર્જે
લારી-ગલ્લા ગોઠવાઇ ગયા છે. એક લારીથી શરૂઆત થાય અને જોતજોતામાં આખી ફૂટપાથ વિવિધ નાસ્તાની
તેમજ અન્ય લારી-ગલ્લાથી ભરાઇ જાય અને તંત્ર માત્ર જોતું જ રહે. ધંધાર્થીઓ રોજીરોટી
રળે તેનાથી કોઇને વાંધો ન હોય, પણ જાહેર માર્ગો અને આખેઆખી ફૂટપાથો
કબજામાં લઇ આમ નાગરિકને ચાલવા માર્ગ કે બેસવાની જગ્યા ન રાખે તે કેટલે અંશે યોગ્ય કહેવાય.
થોડા સમય પહેલાં ભુજના વી. ડી. હાઇસ્કૂલથી માતૃછાયા જતા ભાજપના જૂના કાર્યાલયની સામે
તરફની આખે આખી ફૂટપાથ ખાણી-પીણીના ધંધાર્થીઓએ દબાવી લીધી. અનમ રિંગરોડ હોય કે છઠ્ઠીબારી
રિંગરોડ, હોસ્પિટલ રોડ હોય કે ભાનુશાલીનગર-લેવા પટેલ હોસ્પિટલ
માર્ગ તમામ જગ્યાએ મોટાં પ્રમાણમાં લારી-ગલ્લાવાળાઓ ગોઠવાતાં લોકોને જીવના જોખમે માર્ગ
પર ચાલવું પડે છે. જો કે, છેલ્લા ત્રણેક દિવસથી સુધરાઇનો પારો
ચડયો હોય તેમ ભુજહાટથી લેવા પટેલ હોસ્પિટલ માર્ગે આવેલી તમામ સરકારી કચેરીઓ આગળનાં
આવાં દબારો દૂર કરવાની કામગીરી કરાઇ રહી છે. સુધરાઇનાં સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર
અત્યાર સુધી 17 રેંકડી-કેબીનો
જપ્ત કરાઇ છે તેમજ 45થી 50ને નોટિસ અપાઇ છે. વધુમાં પ્રાપ્ત માહિતી
અનુસાર ઉપરોકત વિસ્તારના ધંધાર્થીઓને મુખ્ય અધિકારીની સૂચનાથી નોટિસ અપાઇ હતી અને માંડવી
ઓકટ્રોય સામે જગ્યા પણ ફાળવાઇ હતી. તેમ છતાં આ ધંધાર્થીઓ ત્યાં જવા તૈયાર ન થતાં અંતે
કડક કાર્યવાહી કરવી પડી હતી. જો કે, જેમના લારી-ગલ્લા હટાવાયા તેમણે વિરોધ
પણ વ્યક્ત કર્યો હતો અને ભુજમાં અન્ય અનેક સ્થળો પર દબાણ હોવા છતાં વારંવાર ભાનુશાલીનગર
માર્ગ જ દબાણ હટાવવા પસંદ કરાતો હોવાથી રોષ વ્યક્ત કર્યો હતો.આ બાબતે કલેક્ટર અંગત
રસ લે અને ભાડાં, નગરપાલિકા, પોલીસ સ્ટાફ
સાથે ભુજના માર્ગો, જાહેર સ્થળો પર ટ્રાફિકજામ માટે કારણભૂત બનતાં
ખાણી-પીણી સહિતના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવી આમ નાગરિક ફૂટપાથ પર ચાલી શકે તેવી જોગવાઇ
કરે તેવી જાગૃતો લાગણી વ્યક્ત કરી રહ્યા છે.